LPG  ગેસ સિલિન્ડરની કિંમતોમાં આજે ઘટાડો કરાયો, જાણો…

નવી દિલ્હીઃ જુલાઈના પ્રારંભે દેશની મુખ્ય ગેસ કંપનીઓએ LPG ગેસ સિલિન્ડરની કિંમતોમાં રૂ. 198નો ઘટાડો કર્યો છે. જોકે આ ઘટાડો કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતોમાં થઈ છે. જ્યારે 14.2 કિલોવાળા ઘરેલુ ગેસ સિલિન્ડરોની કિંમતોમાં કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો. કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતોમાં ઘટાડા પછી દિલ્હીમાં 19 કિલોવાળા LPG સિલિન્ડરની કિંમત રૂ. 2219થી ઘટીને રૂ. 2021 થઈ ગઈ હતી.

કોલકાતામાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં રૂ. 182નો ઘટાડો કરવામાં આવ્યો હતો. હવે એની કિંમત ઘટીને રૂ. 2140 થઈ ગઈ છે. જે પહેલાં રૂ. 2322 હતી, જ્યારે મુંબઈમાં LPG ગેસ સિલિન્ડરની કિંમત પ્રતિ સિલિન્ડર રૂ. 2171.50થી રૂ. 190.5 ઘટીને રૂ. 1981 થઈ ગઈ છે. ચેન્નઇમાં 19 કિલોગ્રામ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત રૂ. 2373થી રૂ. 187 ઘટીને રૂ. 2186 થઈ ગઈ છે.

ગયા મહિને જૂનમાં સરકારે કોમર્શિયલ સિલિન્ડર ગેસની કિંમતોમાં રૂ. 135નો ઘટાડો કર્યો હતો, પણ મે મહિનામાં સ્થાનિક LPG સિલિન્ડરના ગ્રાહકોને બે વખત આંચકો મળ્યો હતો, કેમ કે સાત મેએ LPG ગેસ સિલિન્ડરની ગેસની કિંમતોમાં રૂ. 50નો વધારો કરવામાં આવ્યો હતો અને એ પછી 19 મેએ પણ સ્થાનિક LPG ગેસ સિલિન્ડરની કિંમતોમાં વધારો કરવામાં આવ્યો હતો.