મુંબઈઃ દેશભરમાં પેટ્રોલ, ડિઝલ જેવા ઈંધણ અને ઘરેલુ રાંધણગેસ (LPG) સિલિન્ડરની કિંમતમાં આજથી ફરી વધારો ઝીંકાયો છે. મુંબઈ તથા અન્ય શહેરોમાં ઘરેલુ LPG સિલિન્ડરની કિંમતમાં આજથી 50 રૂપિયાનો વધારો કરાયો છે. આને કારણે મુંબઈમાં ઘરેલુ ગેસ સિલિન્ડર હવે રૂ. 949.50માં પડશે. LPG સિલિન્ડરની કિંમતમાં 2021ની 6 ઓક્ટોબર બાદ આ પહેલી વાર વધારો કરવામાં આવ્યો છે. પટના શહેરમાં એલપીજી સિલિન્ડરનો ભાવ રૂ. 1,039.50 જેટલો ઊંચે ગયો છે.
પેટ્રોલ, ડિઝલમાં 137 દિવસ બાદ ફરી કિંમત વધારાઈ
ઈંધણના ભાવમાં પ્રતિ લિટર 80 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. આને પગલે મુંબઈમાં પેટ્રોલ પ્રતિ લિટર રૂ. 110.82માં પડશે. જ્યારે ડિઝલનો નવો ભાવ પ્રતિ લિટર રૂ. 95 થયો છે. સરકારે ઈંધણના ભાવમાં છેલ્લે 2021ની બીજી નવેમ્બરે વધારો કર્યો હતો. આમ, 137 દિવસ બાદ બંને ઈંધણ ફરી મોંઘાં થયાં છે. જથ્થાબંધ વપરાશકારોને વેચવામાં આવતા ડિઝલની કિંમતમાં પ્રતિ લિટર રૂ. 25નો વધારો કરાયો છે.