કોલકાતાઃ લોકસભા ચૂંટણીના પહેલા તબક્કામાં પશ્ચિમ બંગાળમાં ત્રણ લોકસભા વિસ્તારમાં મતદાન થઈ રહ્યું છે. આ સીટો છે- કૂચબિહાર, અલીપુરદ્વાર અને જલપાઇગુડ્ડી. કૂચબિહારમાં હિંસાના અહેવાલ હતા. અહીં TMC અને ભાજપના કાર્યકર્તા વચ્ચે પથ્થરમારો થયો છે. આમાં ભાજપનો એક કાર્યકર્તા જખમી થયો છે. કૂચબિહાર હિંસાના કેટલાય વિડિયો પણ વાયરલ થયા છે. બંગાળમાં ECને 150 ફરિયાદો મળી છે.
બંગાળના માથાભાંગા વિસ્તારમાં CRPF જવાનની લાશ મળી છે. જવાનને અહીં ચૂંટણી ડ્યુટી પર તહેનાત કરવામાં આવ્યા હતા. પોલિંગ બૂથના બાથરૂમમાંથી તેનો મૃતદેહ મળ્યો હતો. CRPF જવાનનું મોત સંદિગ્ધ બતાવવામાં આવી રહ્યું છે. તેના માથા પર ઇજાનાં નિશાન મળ્યાં છે.
આરોપ છે કે TMCના કાર્યકર્તાઓએ મતદારોને બૂથ સુધી અટકાવવા માટે પથ્થરમારો કર્યો હતો. એનો વિડિયો પણ સોશિયલ મિડિયા પર વાઇરલ થયો છે. ચંદામારી વિસ્તારમાં ભાજપના બૂથ અધ્યક્ષ ઘાયલ થયા છે. આ પથ્થરમારો બૂથથી થોડા અંતરે જ થયો હતો. દિનહાટામાં ભાજપના કાર્યકર્તાઓના ઘરની બહાર દેશી બોમ્બ મળવાથી ગભરાટ ફેલાયો હતો. ચૂંટણી પંચ સુધી બંને પક્ષના નેતાઓએ ફરિયાદ કરી હતી. કૂચબિહારના સીતલકૂચીમાં ભાજપ અને TMC કાર્યકર્તાઓ વચ્ચે બબાલ થઈ હતી. બંને દળોના કાર્યકર્તાઓએ એકબીજાની મારપીટ કરી હતી.
બંગાળની ત્રણ લોકસભા સીટો પર સવારે નવ કલાક સુધી કૂચબિહારમાં 15.26 ટકા, અલીપુરદ્વારમાં 15.91 ટકા અને જલપાઇગુડ્ડીમાં 14.13 ટકા મતદાન થયું હતું. બંગાળ આ ત્રણે સીટો ઉત્તરીય ભાગમાં સ્થિત છે અને 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપને આ સીટો પર જીત મળી હતી.