લોકસભા ચૂંટણીઃ I.N.D.I.A. એલાયન્સમાં સીટ મુદ્દે ઘમસાણ

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2024 નજીક આવી રહી છે. NDAની આગેવાની કરી રહેલા ભાજપે ચૂંટણીની તૈયારીઓ તેજ કરી દીધી છે, ઇન્ડિયા ગઠબંધનમાં વિવિધ રાજ્યો માટે સીટ શેરિંગ પર મંથન જારી છે. નેતાઓની મુલાકાતો પણ જારી છે, પરંતુ UP, બિહારથી માંડીને પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, દિલ્હી અને પંજાબ સુધી સીટ શેરિંગની ફોર્મ્યુલા શી હોય એ મુદ્દે ભારે અસમંજસતા પ્રવર્તી રહી છે.

બિહારમાં લાલુ યાદવના પક્ષ RJD હોય કે નીતીશકુમારની પાર્ટી JDU 17-17 સીટોથી ઓછી સીટો પર હટવા તૈયાર નથી. ઉત્તર પ્રદેશમાં SPના અખિલેશ યાદવે પણ 65 સીટોની માગ કરી છે. મહારાષ્ટ્રમાં શિવસેના (UBT) પોતાની માગ પર અડી છે. દિલ્હી અને પંજાબમાં સત્તા પક્ષે સાફ વાત કરી છે કે ગોવા, ગુજરાત અને હરિયાણામાં પણ સીટોને લઈને વાત થશે.

પશ્ચિમ બંગાળમાં મમતા બે સીટોથી વધુ આપવા તૈયાર નથી. આમ આદમી પાર્ટીએ હરિયાણા, ગોવા, અને ગુજરાતમાં સીટોની માગ કરી છે. હવે કોંગ્રેસને એક સાંધતા 13 તૂટે એવી હાલત છે, કેમ કે કોંગ્રેસ સાથી પક્ષોની માગ માનશે તો એની પાસે શું બચશે? કોંગ્રેસ જ નહીં, પણ અન્ય પક્ષોની માગ છે કે 14 જાન્યુઆરીએ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા શરૂ થતાં પહેલાં સીટ વહેંચણી મુદ્દે સમજૂતી સધાય.

મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી શિવસેના 23 સીટો માગી રહી છે, જ્યારે NCP 12 સીટોની માગ કરી રહી છે. આ ઉપરાંત વંચિત બહુજન અઘાડી (VBA) પણ આશરે ચાર સીટોની માગ કરી રહી છે. રાજ્યમાં કુલ 48 સીટો છે અને કોંગ્રેસને છોડીને આશરે 40 સીટોની માગ I.N.D.I.A. ગઠબંધનના સાથી પક્ષો માગી રહ્યા છે.