લોકસભા ચૂંટણીઃ ભાજપને મળશે માત્ર 150 સીટઃ કોંગ્રેસ

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના પહેલા તબક્કાના મતદાનથી પહેલાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને SPના અધ્યક્ષ અખિલેશ યાદવે ગાઝિયાબાદમાં એક પત્રકાર પરિષદમાં વડા પ્રધાન મોદી પર નિશાન સાધ્યું હતું. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે આ વિચારધારાની ચૂંટણી છે. તેમનું ગઠબંધન બંધારણ અને લોકતંત્રને બચાવવાના પ્રયાસ કરી રહ્યું છે. અખિલેશ યાદવે કહ્યું હતું કે ભાજપની દરેક વાત ખોટી નીકળી છે અને તેમનાં વચનો પણ ખોટાં છે. ના તો ખેડૂતની આવક બે ગણી થઈ, ના યુવકોને રોજગાર મળ્યો. વિકાસનાં જે સપનાં દેખાડ્યાં હતાં, એ પણ અધૂરાં છે. એમની નૈતિકતાનો પરપોટો ફૂટી ગયો છે. આ ચૂંટણીમાં ભાજપને માત્ર 150 સીટ મળશે, એમ રાહુલ ગાંધીએ કહ્યું હતું.

પત્રકારોના સવાલના જવાબ આપતાં સપાઅધ્યક્ષે કહ્યું હતું કે ઇન્ડિયા ગઠબંધન નવી આશા છે. ખેડૂતોને MSPની ગેરંટી આપીશું, એટલે ખેડૂતો ખુશ થશે. વિના સામાજિક ન્યાયની માગને લઈને અમે ચાલીશું. ભાજપ સંવિધાન અને લોકતાંત્રિકને ખતમ કરવાના પ્રયાસ કરી રહ્યું છે અને બીજી તરફ ઇન્ડિયા ગઠબંધન અને કોંગ્રેસ પાર્ટી બંધારણ અને લોકતંત્રને બચાવવાના પ્રયાસ કરી રહ્યા છે.

વડા પ્રધાન ભ્રષ્ટાચારના ચેમ્પિયન છે. એક તરફ RSS અને ભાજપ બંધારણને ખતમ કરવાના પ્રયાસ કરી રહ્યા છે. આ ચૂંટણીમાં બેરોજગારી, મોંઘવારી સૌથી મોટા મુદ્દા છે.

એકઝટકામાં ગરીબી દૂર કરવાના નિવેદન બાબતે સ્પષ્ટતા કરતાં રાહુલે કહ્યું હતું કે કોઈ નથી કહી રહ્યું કે ગરીબી એક વખતમાં ખતમ થશે, પણ આપણે એના માટે નક્કર પ્રયાસ તો કરી શકીએ છીએ.