નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીમાં પહેલા તબક્કાનું મતદાન સાંજે છ કલાકે પૂરું થયું હતું. આ પહેલા તબક્કામાં 21 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની 102 સીટો પર મતો પડ્યા હતા. પહેલા તબક્કામાં 1600થી વધુ ઉમેદવારો મેદાનમાં હતા. આ તબક્કામાં નવ કેન્દ્રીય મંત્રી, બે ભૂતપૂર્વ મુખ્ય મંત્રી અને એક ભૂતપૂર્વ રાજ્યપાલનું ભાવિ દાવ પર લાગેલું છે. પહેલા તબક્કામાં 102 સીટો પર 59.71 ટકા મતદાન થયું હતું.
લોકસભાની ચૂંટણીના પહેલા તબક્કાનું મતદાન સવારે સાત કલાકે શરૂ થયું હતું અને સાંજે છ કલાક સુધી જારી રહ્યું હતું. આ સાથે અરુણાચલ પ્રદેશ અને સિક્કિમની 92 વિધાનસભાની સીટો પર પણ મતદાન થયું હતું. ચૂંટણી પંચના જણાવ્યા મુજબ પહેલા તબક્કામાં 16.63 કરોડથી વધુ મતદારો છે, એમાં 8.4 કરોડ પુરુષ અને 8.23 કરોડ મહિલા મતદારો છે. એમાં 35.67 મતદારો યુવા છે, જેઓ સૌપ્રથમ વાર તેમના મતનો ઉપયોગ કરશે, જ્યારે 20થી 29 વયના મતદારોની સંખ્યા 3.51 કરૌડ છે. આ મતદારો માટે 1.87 લાખ મતદાન મથકો બનાવવામાં આવ્યા હતા.
ચૂંટણી પંચે જારી કરેલા આંકડા અનુસાર સાંજે પાંચ કલાક સુધી બિહારમાં 46.32 ટકા, પશ્ચિમ બંગાળમાં 77.57 ટકા, ત્રિપુરામાં 76.10 ટકા, આસામમાં 70.77 ટકા UPમાં 57.54 ટકા, ઉત્તરાખંડમાં 53.56 ટકા, તામિલનાડુમાં 62.08 ટકા, રાજસ્થાનમાં 50.27 ટકા, પુડુચેરીમાં 72.84 ટકા, મહારાષ્ટ્રમાં 54.85 ટકા, મધ્ય પ્રદેશમાં 63.25 ટકા, આંદામાન નિકોબારમાં 56.87 ટકા, અરુણાચલ પ્રદેશમાં 63.26 ટકા, લક્ષદ્વીપમાં 59.02 ટકા, મણિપુરમાં 67.46 ટકા, મેઘાલયમાં 69.91 ટકા, મિઝોરમમાં 52.62 ટકા, ઉત્તરાખંડમાં 53.56 ટકા, જમ્મુ કાશ્મીરમાં 65.08 ટકા અને છત્તીસગઢમાં 63.41 ટકા મતો પડ્યા હતા.