લોકસભા ચૂંટણીઃ કોંગ્રેસની 5મી યાદી જાહેર, દિગ્ગજ નેતાઓને મળી…

નવી દિલ્હી- લોકસભા ચૂંટની તારીખો જેમ જેમ નજીક આવતી જાય છે, તેમ તેમ રાજકીય પારો પણ ઉપર ચડતો જઈ રહ્યો છે. કોંગ્રેસ પાર્ટી દ્વારા ઉમેદવારોની પાંચમી યાદી બહાર પાડવામાં આવી છે. આ યાદીમાં ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, તેલંગાણા, આંધ્ર પ્રદેશ, આસામ, ઓડિશા અને લક્ષદ્વીપની 56 બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.

આ યાદીમાં કુલ 56 નામ છે, જેમાં ઉત્તર પ્રદેશની 3, પશ્ચિમ બંગાળની 11, લક્ષદ્વીપની 1, તેલંગાણાની 8, ઓડિશાની 6, આસામની 5 અને આંધ્ર પ્રદેશની 22 બેઠકનો સમાવેશ થાય છે.

સાથે જ પાર્ટીઓ આંધ્ર પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે 132 અને ઓડિશા વિધાનસભાની 36 બેઠકો માટે ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે.

કોંગ્રેસે ઉત્તર પ્રદેશની મેરઠ બેઠક પર પોતાનો ઉમેદવારો બદલ્યો છે. અહીં ઓપી શર્માની જગ્યાએ હરેન્દ્ર અગ્રવાલને ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવ્યાં છે. જ્યારે ગાઝિયાબાદથી ડોલી શર્મા, બુલંદશહરથી બંશી લાલ પહાડિયાને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીના પુત્ર અભિજીત મુખરજીને જાંગીરપુર અને પૂર્વ પ્રધાન તેમજ બંગાળ કોંગ્રેસના અધ્યક્ષ રહી ચુકેલા અધીર રંજન ચૌધરીને બરહામપુરથી ટિકિટ આપવામાં આવી છે.

ઓડિશામાં કાલાહાંડી બેઠક પરથી ભક્ત ચરણ દાસને ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે, જ્યારે તેલંગાણાની હૈદરાબાદ બેઠક પરથી ફિરોઝ ખાન અને નિઝામાબાદ બેઠક પરથી મધુ યશકી ગોડને તક આપવામાં આવી છે. મહત્વનું છે કે કોંગ્રેસ અત્યાર સુધી 137 ઉમેદવારોના નામની જાહેરાત કરી ચુકી છે.

તમને જણાવી દઈએ કે, ઓડિશા વિધાનસભાની ચૂંટણી ચાર તબક્કામાં પૂર્ણ થશે. પ્રથમ તબક્કા માટે 11મી એપ્રિલના રોજ મતદાન થશે. જ્યારે આંધ્ર પ્રદેશમાં 11 એપ્રિલના રોજ એક જ તબક્કામાં આખા રાજ્યમાં મતદાન યોજાશે.