આજે દુનિયામાં દરેક વ્યક્તિ પોતાના અંગત દુઃખને કોરાણે મૂકીને એક જ ચિંતામાં લાગી ગઈ છે. તે છે કોરોના મહામારી! જે આજની વૈશ્વિક ચિંતા છે. સમગ્ર વિશ્વમાં છવાયેલી ચિંતાજનક વાતોમાં થોડી હળવી વાતો પણ જાણવા મળી છે. જે લોકોને થોડી હળવાશ આપી જાય એવી છે! ભગવાને માનવને તેમજ સમગ્ર સૃષ્ટિને અસંખ્ય કુદરતી ભેંટો આપી છે. તેમાં માનવને એક અમૂલ્ય ભેંટ એ આપી છે કે, ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં પણ માનવ રમૂજ ઊભી કરી શકે છે અને દુઃખને હળવું કરી શકે છે! લૉકડાઉનને લીધે સામાન્ય માણસથી માંડીને મોટી સેલિબ્રિટીની લાઇફસ્ટાઇલ સુદ્ધાં એક જેવી થઈ ગઈ છે. દરેક જણ ઘરકામ કરી રહ્યાં છે. પુરુષો પણ ઘરકામમાં મદદ કરી રહ્યાં છે!
સેલિબ્રિટીઓ ઘરમાં કામ કરતી વખતનાં પોતાના ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી રહ્યાં છે. ક્યાંક એક હળવી રમૂજ ફેલાવીને લોકોને મનોરંજન પૂરું પાડી રહ્યા છે અને થોડી ક્ષણો પૂરતાં પણ એ લોકો રમૂજી બની રહ્યાં છે! સેલિબ્રિટી એક્ટ્રેસ કેટરિના કૈફે પોતે ઘરમાં ઝાડુ કરી રહી છે તે અને તે ઝાડુ વડે જ બેટિંગ કરતા ફોટા સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા હતાં.
તો એક્ટ્રેસ આલિયા ભટ્ટ રસોડામાં કોઈ વાનગી બનાવી રહી છે. તેવો ફોટો તેની બહેન શાહીને ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો અને લખ્યું, ‘little pudding, making pudding’ એટલે કે, તે બહુ લાડથી પોતાની નાની બહેનને પુડિંગ કહી રહી છે. તેના તે વિશે લખે છે ‘મારું નાનકડું પુડિંગ બનાવી રહ્યું છે પુડિંગ!’
શ્રીદેવીની દિકરી જ્હાન્વી કપૂર પોતાના ઘરમાં ડાન્સની પ્રેક્ટિસ કરી રહી છે તેનો વિડીયો તેણે શેર કર્યો છે.
બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી પણ પોતાના ગાર્ડનની સફાઈ કરી રહી છે. ગાર્ડનમાં પોતે ઝાડુ કાઢી રહી છે તેવો વીડીયો તેણે શેર કર્યો છે. જેમાં તેણે લોકોને કહ્યું, ‘હાલ લૉકડાઉનમાં ઘરે કામ કરવા મેઇડ નથી આવી રહ્યાં, તો તમે ઘરના બધા કામ કરો, સાફ-સફાઈ કરો. એટલે તમારા શરીરને કસરત મળી રહેશે, જેથી તમને ઘરમાં કંટાળો પણ નહીં આવે. ઘરકામથી સરસ કસરત કઈ હોય શકે? ઘરમાં કે ગાર્ડનમાં ઝાડુ કાઢો એમાં તમારી cardioની કસરત થઈ જશે!’
સાથે શિલ્પાએ તેના ઘરમાં આવતા કામ કરવાવાળા સ્ટાફને લઈને પણ લાગણીસભર શબ્દો લખ્યાં છે. ‘લૉકડાઉનના આ સમય દરમ્યાન ઘરે કામ કરવાથી મને ખ્યાલ આવ્યો કે, આપણે આપણાં ઘરે કામ કરવા આવતા સ્ટાફને લીધે જ જિંદગીમાં ખુશીઓ માણી રહ્યા છીએ, આપણી પ્રવૃતિઓ માટે કે સપના પૂરા કરવા માટે સમય મેળવી શકીએ છીએ. હું મારા ઘરમાં કામ કરવા આવતી દરેક વ્યક્તિની આભારી છું. આ લૉકડાઉનનો સમય પૂરો થયા પછી જ્યારે જીવન નોર્મલ થાય ત્યાર પછી આપણે આપણા ઘરમાં કામ કરવા આવતા દરેક લોકોની કદર કરવી જોઈએ. એમની કદર કરવાનું ભૂલવું ના જોઈએ.’
બીજા કિસ્સાઓમાં અમુક મહિલાઓએ ભારતીય પારંપરિક પોશાક પહેરીને પોતાનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે અને પોતાની ઓળખીતી મહિલા અથવા બહેનપણીઓને ચેલેન્જ કરી છે કે, તેઓ પણ ભારતીય પારંપરિક પોશાક પહેરીને પોતાનો ફોટો શેર કરે!
ઉપરાંત બીજા ઘણા પ્રકારના ફોટો જેમ કે, ઘરમાં કામ કરતી વખતનાં ફોટો મૂકવાની પણ ચેલેન્જ કરી. લોકોએ આ ચેલેન્જ પણ ઉપાડી લીધી. શહેરથી પોતાના ગામે કોઈ ગયું હોય તો ત્યાંના જીવન પ્રમાણે લાકડાં વીણવાનું અને માથે ઉંચકવાનો સુદ્ધાં ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે!
કોઈક મહિલાએ તો ઘરના વિવિધ કામ કરતી વખતે પોતાનો વિડીયો બનાવી દીધો. જેમાં ઘરની સફાઈથી માંડીને રસોઈ કરતી વખતે તેમજ લેપટોપ લઈને ઘરે ઓફિસ વર્ક કરતી પ્રોફેશનલ મહિલાના પણ એને દર્શન કરાવી દીધા છે!
આ બધાથી હટકે, વિદેશી વાયરો તો એવો ચાલ્યો છે કે, ત્યાંની મોટી મોટી સેલિબ્રિટીઝ #BinIsolationOuting ચેલેન્જ હેઠળ સરસ મજાના પાર્ટીવેર જેવા પોશાક પહેરીને, તૈયાર થઈને પોતાના ઘરની કચરા કુંડીને ઘરની બહાર મૂકવા જઈ રહ્યાં છે. તેવો ફોટો તેમજ વિડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી રહ્યાં છે.વળી, વિડિયો કે ફોટો મૂકીને તેઓ અટકી નથી ગયા. તેઓ બીજા લોકોને પણ ટૅગ કરીને આ જ રીતે પોતાના ફોટો કે વીડિયો શેર કરવાની ચેલેન્જ ફેકી રહ્યા છે.
આ ટ્રેન્ડની શરૂઆત ઓસ્ટ્રેલિયાથી થઈ. ત્યાંથી થઈને ટેક્સાસ, યુકે તેમજ નેધરલેન્ડ્સમાં પણ આ ટ્રેન્ડને લોકો પૂરા ઉત્સાહથી ફોલો કરી રહ્યાં છે.
સિડનીની વતની 30 વર્ષની વિક્ટોરિયા એન્થની જે પોતે ડીજે છે તે આ બાબતે કહે છે, ‘સ્ટાઇલિશ કપડાં પહેરીને તૈયાર થઈને ઘરની કચરા કુંડી બહાર મૂકવા જવાની ચેલેન્જે મને સરસ મજાનો ઉત્સાહ આપ્યો. લૉકડાઉનમાં આવી ચેલેન્જ કોઈને આપવી કે કરવી એ કોઈપણ રીતે અવિવેકી કે બુદ્ધિ વગરનું નથી. પરંતુ આ એકદમ સ્વસ્થ માનસિકતા છે.’
આ ચેલેન્જ ઉપાડીને કોઈકે વળી ટેડી-બેરનો વેશ ધારણ કરી લીધો. તો મોંઢામાંના દાંતની વેશભૂષા ધારણ કરીને નીકળી પડ્યા છે. કોઈકે સુપર મેન ટી-શર્ટ પહેર્યું છે. ‘આ ટ્રેન્ડની શરૂઆત આકસ્મિક રીતે થઇ’ એવું કહેનાર ઓસ્ટ્રેલિયાની વતની ડેનિયલ આસ્ક્યૂ જેઓ કિન્ડરગાર્ટનમાં શિક્ષિકા છે તેઓ વધુમાં જણાવે છે કે, ‘મારી એક બહેનપણીએ મારા ફેસબુક પેજ ઉપર પોસ્ટ મૂકી કે, તે પોતાના ઘરના કચરાની કુંડી બહાર મૂકવા જઇ રહી છે અને આમ મને બહાર જવા મળી રહ્યું છે તે વાતે હું ઘણી ઉત્સાહિત છું.’
આ વાત પર અમસ્તુ જ મેં મારી બહેનપણીને કહ્યું, ‘શું તું આજ કચરાની પેટી બહાર મૂકવા માટે સરસ મજાના કપડાં પહેરીને, તૈયાર થઈને જઈ શકે છે?’
‘હું પણ એ રીતે તૈયાર થઇશ અને ફેસબુકમાં એક ગ્રુપ બનાવીને એમાં આપણા ફોટો મૂકીશ. બધાને આવા ગાર્બેજ બીન સાથેના આપણા ફોટા જોવાની મજા પડશે.’ ‘મારી બહેનપણી માની ગઈ અને જુઓ મારા ફેસબુક ગ્રુપમાં 4,70,000 લોકો જોડાયા છે.’
આસ્ક્યૂ વધુમાં કહે છે, ‘મને ખુશી થાય છે કે, આ રીતે ફેસબુક પેજ પરની ચેલેન્જથી લોકોને ઉત્સાહિત કરવામાં હું નિમિત્ત બની. લોકો મને મેસેજ લખી રહ્યાં છે. તેઓ લખે છે કે, ‘તેઓ દુનિયામાં ફેલાયેલા આ વાયરસથી ભયભીત થઈને ડિપ્રેશનમાં આવી ગયા હતા, પણ જેવું તમારા ફેસબુક પેજ પર ગાર્બેજ બીનને લઈને પોસ્ટ જોઈ તો અમે હસી પડ્યાં.’
નાના બાળકો પણ આસપાસની પરિસ્થિતિને ઘણી સારી રીતે સમજી રહ્યા છે. બાળકો પણ ઘરે પોતાનો સમય પસાર કરવા અવનવી પ્રવૃત્તિઓ કરે છે. ડ્રોઈંગ કરીને વર્તમાન પરિસ્થિતિનો ચિતાર આપી દે છે. જેમ કે, કોરોનાથી બચવાનો ઉપાય ડ્રોઈંગમાં બતાવી દીધો છે. તો કોઈક બાળકે કમ્પ્યુટર પર રામનવમી નિમિત્તે photoshop માં ઇમેજ બનાવી દીધી છે કે, ભગવાન રામનું ધનુષ્ય કોરોનાવાયરસને મારી રહ્યું છે. કહેવાનું તાત્પર્ય એ જ કે, જો ખાલી સમય મળે તો દરેક વ્યક્તિની કોઈને કોઈ સર્જનાત્મકતા સામે આવી જ જાય છે. દરેક જણ સમયનો સદુપયોગ પણ કરી જાણે છે અને સાથે સાથે લોકોમાં ઉત્સાહ પણ જગાડી શકે છે!