સ્થાનિક લોકોએ સરહદી વિસ્તારમાં મોદી સરકારના કામની પ્રશંસા કરી

તવાંગઃ પૂર્વોત્તરમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પાસે ચીની આક્રમણનો મુકાબલો કરવા માટે મોદી સરકાર દ્વારા અરુણાચલ પ્રદેશમાં માળખાકીય વિકાસ ઝડપથી કરવામાં આવી રહ્યો છે, જેની સ્થાનિક લોકોએ ભારે પ્રશંસા કરી હતી. પૂર્વોત્તર સીમાંત રાજ્યોમાં પાછલાં કેટલાંક વર્ષોમાં પાયાના માળખાકીય કામોના વિકાસનાં કાર્યોમાં ઝડપથી વધારો થયો છે. રસ્તાની કનેક્ટિવિટીથી માંડીને મોબાઇલની કનેક્ટિવિટી –અરુણાચલ પ્રદેશના સરહદી ક્ષેત્રોમાં નાટકીય રીતે ઝડપથી વધારો થઈ રહ્યો છે. આને લઈને સ્થાનિક લોકો કેન્દ્ર અને રાજ્ય સરકાર- બંને સરકાર દ્વારા કરવામાં આવી રહેલાં કાર્યોથી બહુ ખુશ છે.

અરુણાચલ પ્રદેશનું તવાંગ ક્ષેત્ર ભારતની સુરક્ષાની દ્રષ્ટિએ એક વ્યહાત્મક સ્થળ છે. તવાંગ ક્ષેત્રના સ્થાનિક લોકોએ કહ્યું હતું કે વડા પ્રધાન મોદીની સરકાર સત્તામાં આવ્યા પછી આ ક્ષેત્રના રસ્તાઓમાં નોંધપાત્ર સુધારો થયો છે અને સરહદી ક્ષેત્રોમાં અનેક પાયાના માળખાકીય કાર્યો કરવામાં આવ્યા છે.

સ્થાનિક રહેવાસી અને તવાંગ સિટીના જૂના માર્કેટના સચિવ દાવા તાશીએ જણાવ્યું હતું કે પહેલાંની તુલનામાં અહીં ઘણો વિકાસ થયો છે. મોદી સરકાર અને પેમા ખાંડુના નેતૃત્વવાળી રાજ્ય સરકારે ગામ અને અંતરિયાળ વિસ્તારોમાં અનેક વિકાસ કાર્યો કરવામાં આવ્યાં છે. તવાંગના રહેવાસી તિલક શર્માએ કહ્યું હતું કે તેમના વિસ્તારમાં અનેક વિકાસ કાર્યો થયાં છે. સરહદી વિસ્તારોમાં રસ્તાની ક્નેક્ટિવિટી હવે બહુ સારી છે. વળી, અરુણાચલ પ્રદેશમાં LAC પાસે મોબાઇલ કનેક્ટિવિટી માટે સરહદી વિસ્તારોમાં નવા મોબાઇલ ટાવર લગાવવામાં આવી રહ્યો છે.