શ્રીનગર– ભારતના ઉત્તરીય રાજ્ય જમ્મુકાશ્મીરમાં આર્ટિકલ 370 હટાવ્યા બાદ રાજ્યમાં મૂકવામાં આવેલા પ્રતિબંધો હવે ક્રમશ: ઉઠાવવાની શરુઆત થઈ ગઇ છે. ત્યારે ધીમેધીમે મોબાઇલ ઇન્ટરનેટ, સ્કૂલ અને અન્ય પ્રતિબંધો પર હવે મુક્તિ આપવામાં આવી રહી છે. લગભગ 14 દિવસ બાદ આજે શ્રીનગરની 190 પ્રાથમિક શાળાઓમાં ફરીથી શૈક્ષણિક કાર્યની શરૂઆત થઈ છે. છેલ્લાં કેટલાક દિવસોથી ઘરમાં ભરાઈ રહેલાં બાળકો ફરી એકવાર સ્કૂલોની રોનક વધારતાં જોવા મળ્યાં છે.. જોકે, ઉચ્ચતર માધ્યમિક શાળાઓને હજુ શરૂ કરવાનો આદેશ નથી આપ્યો. બીજીબાજુ કોઈ પણ અવ્યવસ્થાનો સામનો કરવા માટે સુરક્ષાદળોને 24 કલાક મોરચા પર તહેનાત કરવામા આવ્યાં છે.
જમ્મુ-કાશ્મીરના મુખ્ય સચિવ રોહિત કંસલે રવિવારે જણાવ્યું હતું કે હજુ માત્ર શ્રીનગરમાં 190 પ્રાથમિક શાળાઓને ખોલવામાં આવી રહી છે. શ્રીનગરના જે વિસ્તારોમાં શાળાઓ શરૂ કરવામાં આવશે તેમાં લાસજાન, સાંગરી, પંથચૌક, રાજબાગ, જવાહર નગર, નૌગામ, ગગરીબાલ, ધારા, થીડ, બાટમાલૂ અને શાલ્ટેંગ સામેલ છે. કંસલે વધુમાં કહ્યું કે આર્ટિકલ 370 હટાવવાને ધ્યાને લઈ જેટલા પણ દિવસ શાળાઓ બંધ રહી છે તેના બદલે આ મહિના બાદ પૂરક વર્ગ લેવામાં આવશે. રાજ્યમાં સ્થિતિ સામાન્ય થતાં જ અન્ય જિલ્લાઓની શાળાઓને પણ શરૂ કરાશે.
કાશ્મીર ઘાટીમાં પ્રતિબંધોમાં છૂટ આપવામાં આવી રહી છે. સ્થાનિક અધિકારી સ્થિતિ નિરીક્ષણ કરી રહ્યાં છે. આ સંબંધમાં શ્રીનગરના ડીસીએ કહ્યું કે હવે ઘણે અંશે સ્થિતિ કન્ટ્રોલમાં છે. પ્રશાસન સતત એવા પ્રયાસમાં લાગી ગયું છે કે જમ્મુકાશ્મીરમાં લોકોની જિંદગી વહેલી તકે પાટા પર આવી જાય અને પૂર્વવત નાગરિકોનું રોજિંદુ જીવનયાપન જોવ મળે.