દિલ્હીની AIIMS હોસ્પિટલમાં આગ સંપૂર્ણપણે બુઝાવી દેવાઈ; કોઈ જાનહાનિ નથી

નવી દિલ્હી – અહીંની પ્રતિષ્ઠિત ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ (AIIMS) સંસ્થા-હોસ્પિટલમાં ગઈ કાલે લાગેલી આગને આજે સંપૂર્ણપણે બુઝાવી દેવામાં આવી છે.

દિલ્હીના અગ્નિશામક દળ અને AIIMS સંસ્થાના આગ નિયંત્રણ વિભાગને ટાંકીને સમાચાર સંસ્થાએ જણાવ્યું છે.

આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ કેટલાક તબીબી નમૂના તથા તબીબી અહેવાલો નાશ પામ્યા છે.

દિલ્હી ફાયર સર્વિસ વિભાગના ડાયરેક્ટર વિપીન કેન્ટાલે કહ્યું છે કે આગ સંપૂર્ણપણે કાબૂમાં આવી ગઈ છે. કૂલિંગ કામગીરી ચાલુ છે, જે થોડાક સમય સુધી ચાલુ રાખવામાં આવશે. કોઈ જાનહાનિ નથી થઈ.

કેન્દ્રના આરોગ્ય અને કુટુંબ કલ્યાણ ખાતાના પ્રધાન ડો. હર્ષવર્ધને આગ બુઝાવવાની કામગીરી પર તેમજ દર્દીઓની બરાબર કાળજી લેવામાં આવે એમાં જાતે દેખરેખ રાખી હતી.

આગ લાગ્યા બાદ દર્દીઓને હોસ્પિટલની બાજુની AB વિંગમાં ખસેડવામાં આવ્યા હતા. હવે એમને આજે ફરી મૂળ ઈમારતમાં શિફ્ટ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે કેન્દ્રના ભૂતપૂર્વ નાણાં પ્રધાન અરૂણ જેટલીને AIIMS હોસ્પિટલમાં જ દાખલ કરવામાં આવ્યા છે, પરંતુ એમને બીજા વિભાગમાં આઈસીયૂમાં રાખવામાં આવ્યા છે. એમની હાલત ગંભીર છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]