વડા પ્રધાન મોદી ફ્રાન્સ જશે; સંરક્ષણ, અણુઊર્જા, ત્રાસવાદ વિષયો એજન્ડા પર મોખરે

નવી દિલ્હી – વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ અઠવાડિયે 3-દેશોની મુલાકાતે જવાના છે. 22 ઓગસ્ટથી તેઓ ફ્રાન્સની બે-દિવસની મુલાકાતે જશે અને ત્યાંથી યુએઈ અને બેહરીન જશે. ફ્રાન્સની મુલાકાત દરમિયાન તેઓ ફ્રાન્સના પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોન સાથે સંરક્ષણ, અણુઊર્જા, સામુદ્રિક સહકાર અને ત્રાસવાદના દૂષણનો સામનો જેવા મહત્ત્વના વિષયો પર બંને દેશ વચ્ચેના વ્યૂહાત્મક સંબંધો અંગે ચર્ચા કરશે.

ફ્રાન્સ પછી વડા પ્રધાન મોદી સંયુક્ત આરબ અમિરાત (યુએઈ) અને બેહરીન જશે, જે દ્વિપક્ષી મુલાકાતો હશે. ત્યાંથી મોદી ફરી ફ્રાન્સના બિયારિત્ઝ શહેર જશે જ્યાં 25 ઓગસ્ટથી G7 શિખર સંમેલન યોજાવાનું છે. ભારતને એમાં ભાગીદાર દેશ તરીકે આમંત્રિત કરાયું છે.

મોદી ગુરુવારે સાંજે ફ્રાન્સ પહોંચશે અને તરત જ પ્રમુખ મેક્રોન સાથે ચર્ચા કરવા પહોંચી જશે. મેક્રોન એ જ રાતે મોદીના માનમાં ડિનર યોજવાના છે.

તે પછીના દિવસે મોદી ફ્રાન્સના પ્રમુખ એડ્યુઆર્ડ ચાર્લ્સ ફિલીપને મળશે, પેરિસમાં યુનેસ્કો સંસ્થાના મુખ્યાલય ખાતે નિર્ધારિત એક કાર્યક્રમમાં ભારતીય સમુદાયનાં લોકોને સંબોધિત કરશે અને 1950 તથા 1966માં એર ઈન્ડિયાના વિમાનોને થયેલી બે દુર્ઘટનામાં ભોગ બનેલા ભારતીય પ્રવાસીઓની યાદમાં બાંધવામાં આવેલા એક સ્મારકને ખુલ્લું મૂકશે.