નવી દિલ્હીઃ દેશમાં પ્રતિ વર્ષ 22 ડિસેમ્બરે નેશનલ મેથેમેટિક્સ ડે રૂપે ઊજવવામાં આવે છે. ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન શર્માએ 2012માં મહાન ગણિતજ્ઞ રામાનુજનના સન્માનમાં તેમના જન્મદિવસે 22 ડિસેમ્બરે નેશનલ મેથેમેટિક્સ ડેના રૂપે ઊજવવાની ઘોષણા કરી હતી. આવો જાણીએ મહાન ગણિતજ્ઞ શ્રીનિવાસ રામાનુજન વિશે…
શ્રીનિવાસ રામાનુજનનો જન્મ 22 ડિસેમ્બર, 1887એ તામિલનાડુના ઇરોડમાં એક તમિળ બ્રાહ્મણ આયંગર પરિવારમાં થયો હતો. રામાનુજને કુંભકોણમની સરકારી કોલેજમાં શિક્ષણ લીધું હતું, બિન ગાણિતીય વિષયોમાં તેમની રુચિ ના હોવાને કારણે 12મી પરીક્ષામાં ફેલ થયા હતા. જેથી સ્કૂલમાં 12મા બે વાર નાપાસ થયા હતા, એ સ્કૂલનું નામ આજે તેમના નામ રામાનુજનને નામે છે.
તેમણે મદ્રાસ પોર્ટ ટ્રસ્ટમાં એક કલાર્ક તરીકે કામ શરૂ કર્યું હતું. તેમના એક સહકર્મચારી –જેઓ ખુદ એક ગણિતજ્ઞ હતા, તેમણે તેમની ગણિતની પ્રતિભાને ઓળખી હતી. તેમણે તેમને ટ્રિનિટી કોલેજ, કેમ્બ્રિજ યુનિવર્સિટીના પ્રોફેસર જીએચ હાર્ડીની પાસે જવા કહ્યું હતું. ટ્રિનિટી કોલેજને તેમને 1916માં બેચલર ઓફ સાયન્સ (BSc)ની ડિગ્રી મળી. એ પછી તેમને 1917માં લંડન મેથેમેટિકલ સોસાયટીમાં જગ્યા આપવામાં આવી.ઓક્ટોબર-1918માં આ કોલેજમાં ફેલોશિપ મેળવનારા પહેલા ભારતીય હતા.
તેમની ગાણિતીય પ્રતિભાનો અંદાજ એ વાતથી લગાવી શકાય કે માત્ર 32 વર્ષની ઉંમરે તેમણે ગણિતના 4000થી વધુ એવા પ્રમેય (થ્યોરમ) પર રિસર્ચ કર્યું હતું, જેમને સમજવામાં વિશ્વભરના ગણિતજ્ઞોને વર્ષો લાગ્યાં.
રોબર્ટ કેનિગલ દ્વારા ધ મેન હુ ન્યુ ઇન્ફિનિટીઃ અ લાઇફ ઓફ ધ જિનિયસ રામાનુજન નામથી આત્મકથા લખી. 2015માં તેમના પર એક ફિલ્મ ધ મેન હુ ન્યુ ઇન્ફિનિટી પણ બની, જે તેમની આત્મકથા પર આધારિત છે.