પટના: વડાપ્રધાન મોદીએ બુધવારે દિલ્હીમાં આયોજીત હુનર હાટમાં એક સ્ટોલ પર લિટ્ટી ચોખા ખાધા જેને લઈને હવે બિહારમાં રાજકારણ ગરમાયું છે. અને લોકો આને બિહાર ચૂંટણીની શરુઆત ગણાવી રહ્યા છે. લિટ્ટી ચોખાને લઈને લાલુ યાદવના બંને પુત્રો તેજસ્વી અને તેજપ્રતાપે પીએમ મોદી પર કટાક્ષ કર્યો છે. તેજ પ્રતાપ યાદવે લિટ્ટી ચોખાને લઈને પીએમ મોદી પર તેમના આગવા અંદાજમાં કટાક્ષ કરતા ટ્વીટ કર્યું કે ‘કતનો ખઈબડ લિટ્ટી ચોખા, બિહાર ના ભૂલી રાઉર ધોખા..!’
તેજપ્રતાપ ની સાથે નાના ભાઈ તેજસ્વી યાદવે પણ ટ્વીટ કર્યું છે. તેમણે લખ્યું કે, બિહારનું લોકપ્રીય ભોજન પસંદ કરવા બદલ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીનો આભાર. બિરાના મુખ્યમંત્રી માંગી નથી શકતા એટલા માટે હું બિહારના જરૂરી મુદ્દાઓ પર તમારું ધ્યાન દોરવા માંગુ છું. રાજ્યને વિશેષ દરજ્જો, સ્પેશિયલ પેકેજ માટે ફંડ, પૂર રાહત ભંડોળ, આયુષ્માન ભારત માટે ફંડ.’
તો બીજી તરફ જેડીયુ નેતા સંજય કુમાર ઝાએ ટ્વીટ કરીને પીએમ મોદીના વખાણ કર્યા અને કહ્યું કે, લિટ્ટી ચોખા બિહારના લાખો લોકો માટે સાદગી,વિનમ્રતા અને જમીન સાથે જોડાયેલા રહેવાનું પ્રતિક છે. સાથે જ તેમણે લખ્યું કે, નરેન્દ્ર મોદીજીને હુનર હાટમાં લિટ્ટી ચોખા ખાતા જોઈ ઘણું સારુ લાગ્યું. આ અમારી પાક પરંપરાનો ભાગ છે અને અમારું ગૌરવ પણ’
તો બિહારના પૂર્વ સીએમ જીતન રામ માંઝીએ પણ પીએમ મોદીને ધન્યવાદ આપતા સવાલ પૂછયો કે, શું લિટ્ટી ચોખા ખાવાને બિહાર ચૂંટણીના એંધાણ માનવામાં આવે?