ઉન્નાવ રેપ કેસઃ કુલદીપ સેંગર સહિત સાત દોષિત

નવી દિલ્હીઃ ઉન્નાવ રેપ બળાત્કારની પીડિતાના પિતાની હત્યા મામલામાં દિલ્હીની તીસ હજારી કોર્ટે પૂર્વ ધારાસભ્ય કુલદીપ સેંગર સહિત સાત અન્યને દોષિત ઠેરવવામાં આવ્યા છે. આ મામલામાં ચારને નિર્દોષ છોડવામાં આવ્યા હતા. બુધવારે નિર્ણય આપતા કોર્ટે કહ્યુ કે, જે રીતે પીડિતાના પિતાની હત્યા કરવામાં આવી તે ખૂબ જઘન્ય છે.પોલીસ કસ્ટડીમાં પીડિતાના પિતાનું મોત થયું હતું. કોર્ટ 12 માર્ચના રોજ આ મામલામાં ફરી સુનાવણી કરશે.

કોર્ટે કુલદીપ સેંગરને ગુનાહિત કાવતરુ કરવાના કેસમાં દોષિત ઠેરવાયા હતા. નિર્ણય સંભળાવતા કોર્ટના જજે કહ્યું કે આ મારી લાઇફનો સૌથી પડકારરૂપ ટ્રાયલ હતું. જસ્ટિસે સીબીઆઇ અને પીડિતના વકીલની પણ પ્રશંસા કરી હતી. કોર્ટે આ અગાઉ 29 ફેબ્રુઆરીના રોજ આ મામલામાં સુનાવણી કરી હતી અને નિર્ણય માટે ચાર માર્ચની તારીખ નક્કી કરી હતી.

આ કેસમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય કુલદીપસિંહ સેંગર, કામતા પ્રસાદ (સબ ઇન્સ્પેક્ટર), અશોક સિંહ ભદૌરિયા, વિનીત મિશ્રા ઉર્ફ વિનય મિશ્રા, બીરેન્દ્ર સિંહ ઉર્ફ બઉવા સિંહ, શશિ પ્રતાપ સિંહ ઉર્ફ સુમન સિંહ અને જયદીપ સિંહ ઉર્ફ અતુલ સિંહને કોર્ટે દોષિત ઠેરવ્યા હતા. શૈલેન્દ્ર સિંહ, રામશરણ સિંહ, અમીર ખાન, કોન્સ્ટેબલ અને શરદવીર સિંહને કોર્ટે નિર્દોષ છોડ્યા હતા.

સુપ્રીમ કોર્ટના આદેશ બાદ  આ કેસને ઉત્તર પ્રદેશ બહાર શિફ્ટ કરી દીધો હતો ત્યારબાદથી તીસ હજારી કોર્ટમાં આ મામલાની સુનાવણી ચાલી રહી હતી. આ કેસમાં પીડિતાના પક્ષથી કુલ 55 લોકોએ સાક્ષી આપી. જ્યારે બચાવ પક્ષ તરફથી ફક્ત નવ સાક્ષીઓ કોર્ટમાં રજૂ થયા હતા.

સીબીઆઈ તરફથી દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં કહેવામાં આવ્યું હતું કે, પીડિતાના પિતાને કસ્ટડીમાં ખૂબ જ ખરાબ રીતે મારવામાં આવ્યા હતા. આ દરમિયાન તેમના શરીર પર 18 જગ્યાએ ઈજા થઈ હતી. આ ઘટનાના ચોથા દિવસે 9 એપ્રિલ 2018 ના રોજ પોલીસ કસ્ટડીમાં જ તેમનું મોત થયું હતું. મૃતક પર ખોટો કેસ નોંધવામાં આવ્યો હતો અને આ બધું જ કુલદીપ સેંગરના ઈશારા પર થયું હતું.

કોર્ટે આ મામલે કુલદીપ સેંગર સહિત સાત આરોપીઓને દોષિત માન્યા છે, જ્યારે ચાર લોકોને પૂરાવાના અભાવે છોડી દેવામાં આવ્યા છે. કોર્ટ 12 માર્ચના રોજ ચર્ચા બાદ આ મામલે સજા સંભળાવશે.