કેજરીવાલ ED સમક્ષ હાજર નહીં થાયઃ નોટિસ ગેરકાનૂની, રાજકીય પ્રેરિત

નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્ય પ્રધાન અને આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલ ED સમક્ષ હાજર નહીં થાય. કેજરીવાલે EDને જવાબ આપતાં સમન્સને ગેરકાનૂની અને રાજકીય પ્રેરિત ગણાવ્યા છે. આ નોટિસ ભાજપના કહેવાથી મોકલવામાં આવી છે અને આ નોટિસ EDએ પરત લેવી જોઈએ. આ નોટિસ મને ચૂંટણીપ્રચારથી રોકવા માટે સમન્સ મોકલવામાં આવ્યા છે, એમ તેમણે કહ્યું હતું. EDએ કેજરીવાલને આબકારી નીતિ કૌભાંડ મામલે મની લોન્ડરિંગ મામલે પૂછપરછ માટે બોલાવ્યા હતા. જોકે હવે ED કેજરીવાલને બીજા સમન્સ જારી કરવાની તૈયારીમાં છે, એવું સૂત્રોએ કહ્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર ચૂંટણીના રાજ્ય મધ્ય પ્રદેશના સિંગરોલીમાં કેજરીવાલ અને પંજાબના CM ભગવંત માન બપોરે એક રોડ-શોમાં ભાગ લેશે. કેજરીવાલ મધ્ય પ્રદેશના સિંગરોલી માટે દિલ્હીથી રવાના થશે. અત્યાર સુધી આ મામલે બે ધરપકડ થઈ ચૂકી છે. આવામાં આમ આદમી પાર્ટીને શંકા છે કે ક્યાંક તેમના વડાને પણ જેલભેગા ના કરવામાં આવે. પાર્ટીએ દાવો કર્યો હતો કે પૂછપરછ પછી કેજરીવાલની ED ધરપકડની શક્યતા છે. પાર્ટીએ આ વિસે મૌન ધારણ કર્યું છે કે શું કેજરીવાલ ED સમક્ષ હાજર થશે કે નથી.

આ સૌપ્રથમ વાર છે કે કેજરીવાલને EDએ સમન્સ મોકલ્યા છે. આ પહેલાં CBIએ આ મામલે તેમની પૂછપરછ કરી હતી. આ વર્ષે એપ્રિલમાં દિલ્હી લિકર કેસમાં કેજરીવાલથી CBIએ નવ કલાક પૂછપરછ કરી હતી, એમાં તેમને આશરે 56 સવાલો પૂછવામાં આવ્યા હતા. કેજરીવાલે આ મામલાને મનઘડંત ગણાવ્યો હતો.