નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલના સરકારી બંગલાને લઈને ચાલી રહેલા વિવાદની વચ્ચે આપના રાષ્ટ્રીય પ્રવક્તા પ્રિયંકા કક્કડે એલજી સકસેનાને અપીલ કરી છે કે તેઓ કેજરીવાલનું ઘર લઈ લે. તેમણે એલજી વીકે સકસેનાને કહ્યું છે કે તેઓ આપના સંયોજકનું ઘર લઈ લે અને પોતાનું ઘર મુખ્ય પ્રધાનને આપીને વિવાદને ખતમ કરે.
બંગલાના રિનોવેશનમાં રૂ. 45 કરોડનો ખર્ચ
કેજરીવાલ પર આરોપ લાગી રહ્યા છે કે તેમણે સત્તાવાર નિવાસસ્થાનના રિનોવેશન પર રૂ. 45 કરોડ ખર્ચ કર્યા છે. ભાજપ દ્વારા ઉઠાવવામાં આવેલા આ તાજા વિવાદિત મુદ્દામાં કોંગ્રેસ પણ સામેલ થઈ છે. દસ્તાવેજો મુજબ કુલ ખર્ચમાં 11.30 કરોડ ઇન્ટિરિયર ડેકોરેશનના, રૂ. 6.02 કરોડ પથ્થર અને માર્બલ ફ્લોરિંગ, રૂ. એક કરોડ ઇન્ટિરિયર કન્સલ્ટન્સી. રૂ. 2.58 કરોડ વીજ સંબંધી ફિટિંગ અને ઉપકરણ, રૂ. 2.85 કરોડ ફાયર ફાઇટિંગ સિસ્ટમ, રૂ. 1.41 કરોડ વાર્ડરોબ અને કિચન ઉકરણો પર રૂ. 1.1 કરોડ ખર્ચ સામેલ છે.
ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું હતું કે કોરોના રોગચાળો જ્યારે પિક પર હતો અને લોકોનાં મોત થઈ રહ્યાં હતાં, ત્યારે કેજરીવાલ બંગલાનું રિનોવેશન કરવામાં વ્યસ્ત હતા. કેજરીવાલે શીશમહલના રિનોવેશનમાં કરોડો રૂપિયા ખર્ચ કર્યા હતા. કેજરીવાલ એક સમયે કહેતા હતા કે એક રૂમના મકાનમાં રહેવું જોઈએ. કેજરીવાના નિવાસસ્થાને મરામત પર રૂ. 45 કરોડ ખર્ચ કરવા પર ભાજપે તેમને મહારાજા કહ્યું હતું. પાત્રાએ કહ્યું હતું કે કેજરીવાલ મહારાજના ન્યૂઝ ના ચલાવવા માટે મિડિયાને પ્રલોભન આપવામાં આવી રહ્યું છે.
કોંગ્રેસ નેતા અજય માકને કેજરીવાલને યાદ અપાવ્યું હતું કે 2013માં કેજરીવાલે લાલ બત્તીવાળી કાર, વધારાની સુરક્ષા અને સત્તાવાર બંગલાનો ઉપયોગ નહીં કરવાના સોગંધ ખાધા હતા. તેમણે ડાયર પોલિશ વિયતનામ માર્બલ, મોંઘા પડદા, મોંઘા ગાલીચા ખરીદ્યા અને તેમની પાર્ટીનું નામ આમ આદમી પાર્ટી છે.