જમ્મુ-કશ્મીરમાં વહીવટીતંત્ર એકદમ કડક બન્યું; કશ્મીરી નેતાઓને નજરકેદ કર્યા, શાળાઓ-ઈન્ટરનેટ બંધ

શ્રીનગર – સરહદીય અને સંવેદનશીલ રાજ્ય જમ્મુ અને કશ્મીરમાં, ખાસ કરીને કશ્મીર ખીણમાં આતંકવાદીઓની પ્રવૃત્તિઓ ખૂબ વધી ગઈ હોવાના અહેવાલોને પગલે વહીવટીતંત્રએ સલામતીને લગતા કડક નિયંત્રણો લાગુ કર્યા છે અને રાતનો કર્ફ્યૂ લાગુ કર્યો છે. કશ્મીર ખીણમાં સલામતી વ્યવસ્થાને અત્યંત કડક બનાવવામાં આવી છે. વધારે સૈનિકોને તહેનાત કરવામાં આવી રહ્યા છે. જનતાની મૂવમેન્ટ બંધ કરી દેવામાં આવી છે. મેહબૂબા મુફ્તી, ઉમર અબ્દુલ્લા, સજ્જાદ લોન સહિત અનેક નેતાઓને નજરકેદ કરવામાં આવ્યા છે.

સરકારે સાવચેતીના પગલા તરીકે ગઈ કાલે મધરાતથી જ શ્રીનગર જિલ્લામાં ક્રિમિનલ પ્રોસીજર કોડની 144મી કલમ હેઠળ નિયંત્રણો લાગુ કર્યા છે.

વહીવટીતંત્રના ઓર્ડરમાં જણાવાયું છે કે શ્રીનગર જિલ્લામાં જાહેર જનતાની અવરજવર બંધ રહેશે અને તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રહેશે.

કશ્મીરી નેતાઓને નજરકેદ કરવામાં આવ્યા છે. મોબાઈલ, ઈન્ટરનેટ સેવાઓ પણ સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. અનેક વિસ્તારોમાં કેબલ ટીવી સેવા પણ બંધ કરી દેવામાં આવી છે.

ઓર્ડરમાં જણાવાયું છે કે કશ્મીર ખીણમાં કોઈ પણ પ્રકારની જાહેર સભા કે રેલી યોજી નહીં શકાય, એવી પ્રવૃત્તિ પર સંપૂર્ણ પ્રતિબંધ છે.

જમ્મુ, કિશ્તવાડ, રેસાઈ, ડોડા, ઉધમમપુર જિલ્લાઓમાં પણ આજે શાળા, કોલેજો બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.

સલામતીની વ્યવસ્થા જાળવવા માટે્ CRPFના જવાનોની 40 કંપનીઓ કશ્મીર રવાના કરવામાં આવી છે.

કિશ્તવાડ, રાજૌરી જિલ્લાઓમાં તેમજ રામબન જિલ્લાના બનિહાલ વિસ્તારમાં રાતનો કર્ફ્યૂ લાગુ કરવામાં આવ્યો છે. જ્યારે શ્રીનગર ઉપરાંત જમ્મુ, રેસાઈ, ડોડા જિલ્લાઓમાં નિયંત્રણો લાગુ કરાયા છે.

જમ્મુ યુનિવર્સિટી સોમવારે બંધ રહેશે. તમામ પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી છે.

કશ્મીર ખીણમાં તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ કરી દેવામાં આવી છે અને હોસ્ટેલો ખાલી કરી દેવાનો વિદ્યાર્થીઓને આદેશ આપવામાં આવ્યો છે.

આજે સવારે 9.30 વાગ્યે દિલ્હીમાં મોદી સરકારે કેબિનેટની બેઠક બોલાવી છે. એમાં કશ્મીર વિશે કોઈ મોટો નિર્ણય લેવામાં આવે એવી ધારણા છે.

કારગિલમાં ફરજ બજાવતા અધિકારીઓને આદેશ

કશ્મીરના લદાખ પ્રદેશના કારગિલમાં ફરજ બજાવતા અધિકારીઓને એમના મથકો જરા પણ ન છોડવા અને પોતપોતાના મોબાઈલ ફોન સતત સ્વિચ્ડ ઓન રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.