354 કરોડના બેંક કૌભાંડ મામલે CM કમલનાથના ભાણિયા રતુલ પુરીની ધરપકડ

નવી દિલ્હી: મધ્ય પ્રદેશના મુખ્યપ્રધાન કમલનાથના ભાણિયા અને મોઝરબેયરના પૂર્વ કાર્યકારી ડાઈરેક્ટર રતુલ પુરીની ધરપકડ કરવામાં આવી છે. 300 કરોડથી વધુના બેંક કૌભાંડના આરોપમાં એન્ફોર્સમેન્ટ ડાઈરેક્ટોરેટ (ઈડી)એ ધરપકડ કરી છે. મહત્વનું છે કે, સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા બેંક દ્વારા 354 કરોડ રૂપિયાના બેંક કૌભાંડની ફરિયાદ કરવામાં આવી હતી ત્યારબાદ બે દિવસ અગાઉ જ સીબીઆઈએ રતુલ પુરી અને અન્ય એક વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. સીબાઆઈએ રતુલ પુરી ઉપરાંત તેમના પિતા દિપક પુરી અને માતા નીતા પુરી સામે પણ છેતરપીંડિનો કેસ દાખલ કર્યો હતો.

બેંકે એક નિવેદનમાં જણાવ્યું છે કે રતુલે 2012માં એક્ઝિક્યુટીવ ડાઈરેક્ટરના પદેથી રાજીનામું આપ્યું હતું જ્યારે તેમના માતા પિતા બોર્ડ ઓફ ડાઈરેક્ટર્સમાં રહ્યાં. સીબીઆઈએ સોમવારે 6 સ્થળો પર દરોડા પાડ્યા હતાં.

સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાએ કરી હતી ફરિયાદ

મોઝરબેયર ઉપરાંત કંપનીના અન્ય અધિકારીઓ વિરુદ્ધ પણ કેસ દાખલ કર્યો છે. કેટલાક અજ્ઞાત લોકો અને સરકારી અધિકારીઓ વિરુદ્ધ પણ તપાસ શરુ કરવામાં આવી છે. સંસદ માર્ગ પર આવેલી સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાની શાખા દ્વારા 354 કરોડ રૂપિયાની લોનની છેતરપીંડિ મામલે આ કાર્યવાહી કરવામાં આવી છે. સીબીઆઈ આજે આ મામલે 6 જગ્યાઓ પર દરોડા પાડયા છે. મોઝરબેયરની આખલા ઓફિસ ઉપરાંત કંપનીના વર્તમાન અને પૂર્વ નિર્દેશકોને ત્યાં પણ દરોડા પાડવામાં આવ્યાં છે.

મહત્વનું છે કે, રતુલપુરી પર અગસ્ટા વેસ્ટલેન્ડ મામલા સંબંધિત મની લોન્ડ્રિગ કેસમાં પણ ઈડી તપાસ કરી રહ્યું છે. આ કેસ 17 ઓગસ્ટે સીબીઆઈ દ્વારા ફાઈલ કરવામાં આવ્યો હતો.