મદુરાઈ – દક્ષિણી ફિલ્મોના તેમજ એક દુજે કે લિયે, સનમ તેરી કસમ, સદમા, સાગર, ચાચી ૪૨૦ જેવી અનેક સફળ ફિલ્મોના હિન્દી ફિલ્મોના સુપ્રસિદ્ધ અભિનેતા કમલ હાસને એમની નવી રાજકીય પાર્ટી આજે અહીં લોન્ચ કરી છે. એનું નામ એમણે ‘મક્કલ નીતિ મય્યમ’ રાખ્યું છે. ગુજરાતીમાં આનો અર્થ થાય – લોક ન્યાય મંચ.
મદુરાઈના ઓટ્ટકટ્ટાઈ મેદાન ખાતે આયોજિત સમારંભમાં હાસને એમની નવી પાર્ટીનું નામ ઘોષિત કર્યું હતું.
એ પ્રસંગે પ્રશંસકો અને સમર્થકો સમક્ષ કરેલા સંબોધનમાં હાસને કહ્યું કે આ પાર્ટી આપના માટે છે અને જનતાને માટે છે. હું તમારા એક સાધન જેવો છું, તમે મારા નેતાઓ છો, આ મેદની નેતાઓથી ભરેલી છે.
કમલ હાસને એમની પાર્ટીના ધ્વજનું પણ અનાવરણ કર્યું હતું. એ ધ્વજ સફેદ રંગનો છે જેમાં લાલ અને સફેદ રંગના છ હાથ બતાવેલા છે જે એકબીજા સાથે જોડાયેલા છે અને મધ્યમાં એક તારો (સ્ટાર) છે.
કમલ હાસનના આ પાર્ટી-લોન્ચ કાર્યક્રમમાં દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ, એમની આમ આદમી પાર્ટીના નેતા સોમનાથ ભારતી (જે પાર્ટીના તામિલ નાડુના ઈન્ચાર્જ છે) તથા કિસાન નેતા પી.આર. પાંડિયન પણ ઉપસ્થિત રહ્યા હતા.
પાર્ટી લોન્ચ પ્રસંગની શરૂઆત હાસને રામેશ્વરમમાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ સ્વ. એ.પી.જે. અબ્દુલ કલામના નિવાસસ્થાને સદ્દગતને શ્રદ્ધાંજલિ અર્પણ દ્વારા કરી હતી. હાસન ત્યાં અબ્દુલ કલામના મોટા ભાઈ તથા અન્ય પરિવારજનોને મળ્યા હતા.
હાસને બાદમાં એમ કહ્યું હતું કે, મહાનતાની શરૂઆત સાદગીમાંથી થાય છે.