લખનૌ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે લોકસભામાં રામ મંદિરનો સમગ્ર પ્લાન બતાવ્યો છે. તેમણે જાહેરાત કરી કે રામ મંદિરના નિર્માણ માટે ટ્રસ્ટની રચના કરવામાં આવી છે જેનું નામ શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર રાખવામાં આવ્યું છે. આ ટ્રસ્ટમાં કુલ 15 સભ્યો હશે. જેમાંથી એક સભ્ય દલિત સમુદાયમાંથી હશે. ટ્રસ્ટમાં સામેલ કરવામાં આવેલા લોકોમાં એડવોકેટ કે.પરાશરન, કામેશ્વર ચૌપાલ, મહંત દિનેન્દ્ર દાસ અને અયોધ્યા રાજ પરિવાર સાથે જોડાયેલા બિમલેન્દ્ર મોહન પ્રતાપ મિશ્રા જેવા નામ સામેલ છે.
સુપ્રીમ કોર્ટના આદેશ પર ભારત સરકારે રાજપત્ર જાહેર કરીને કહ્યું કે, વિવાદીત સ્થળનો આંતરિક અને બાહ્ય પ્રાંગણનો કબ્જો ન્યાસને સોંપી દીધો છે. સાથે જ એ પણ સ્પષ્ટ કર્યું કે, કેન્દ્ર સરકાર અને ટ્રસ્ટ યોજના હેઠળ મંદિરના વિકાર પર કામ કરાવશે.
હવે આ ટ્રસ્ટમાં સામેલ કરવામાં આવેલા લોકોના નામ સામે આવ્યા છે. ટ્રસ્ટના નિયમો અનુસાર એમાં 10 કાયમી સભ્યો છે, જેને વોટિંગનો અધિકાર હશે. અન્ય પાંચ સભ્યોને વોટિંગનો અધિકાર નહી હોય. ટ્રસ્ટના તમામ સભ્યો હિન્દુ હશે.
કે. પરાશરન
સૌથી પહેલા નામ 92 વર્ષીય વરિષ્ઠ વકીલ કે. પરાશરનનું છે. પરાશરને લાંબા સમય સુધી અયોધ્યા વિવાદ કેસમાં હિન્દુ પક્ષ તરફથી લડત આપી હતી. રામલલાના પક્ષમાં ચૂકાદો અપાવવામાં તેમની મહત્વની ભૂમિકા રહી છે. પરાશરનને પદ્મ ભૂષણ અને પદ્મ વિભૂષણ જેવા પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે. ઈન્દિરા ગાંધી અને રાજીવ ગાંધી સરકારમાં એટર્ની જનરલ રહી ચૂક્યા છે. ટ્રસ્ટની રચના કે પરાશરનને રામ મંદિરની જમીનનો કબ્જો સોંપવામાં આવ્યો છે.
જગદગુરુ શંકરાચાર્ય સ્વામી વાસુદેવાનંદ સરસ્વતીજી મહારાજ
બદ્રીનાથ સ્થિત જ્યોતિષ પીઠના શંકરાચાર્ય. જોકે, તેમના શંકરાચાર્ય બનવા પર વિવાદ પણ થયો હતો. જ્યોતિષ મઠની શંકરાચાર્યની પદવીને લઇને દ્વારકા પીઠના શંકરાચાર્ય સ્વામી વાસુદેવાનંદ સરસ્વતીએ હાઇકોર્ટમાં કેસ દાખલ કર્યો હતો.
જગદગુરુ માધવાચાર્ય સ્વામી વિશ્વ પ્રસન્નતીર્થજી મહારાજ
કર્ણાટકના ઉડુપી સ્થિત પેજાવર મઠના 33મા પીઠાધીશ્વર છે. ડિસેમ્બર 2019માં પેજાવર મઠના પીઠાધીશ્વર સ્વામી વિશ્વેશતીર્થના નિધન બાદ આ પદવી સંભાળી.
યુગપુરુષ પરમાનંદજી મહારાજ
અખંડ આશ્રમ હરિદ્વારના પ્રમુખ. વેદાન્ત પર 150થી વધુ પુસ્તકો પ્રકાશિત થઇ ચૂકી છે. તેમણે વર્ષ 2000માં સંયુક્ત રાષ્ટ્રમાં આધ્યાત્મિક નેતાઓના શિખર સમ્મેલનને સંબોધિત કર્યું હતું.
સ્વામી ગોવિંદ દેવ ગિરી મહારાજ
મહારાષ્ટ્રના અહમદ નગરમાં 1950માં જન્મ થયો. રામાયણ, ભગવદગીતા, મહાભારત અને અન્ય પૌરાણિક ગ્રંથો વિશે દેશ-વિદેશમાં પ્રવચન કરે છે. સ્વામી ગોવિંદ દેવ મહારાષ્ટ્રના વિખ્યાત આધ્યાત્મિક ગુરૂ પાંડુરંગ શાસ્ત્રી અઠાવલેના શિષ્ય છે.
બિમલેન્દ્ર મોહન પ્રતાપ મિશ્રા
તેઓ અયોધ્યા રાજપરિવારના વંશજ છે. રામાયણ મેળા સંરક્ષક સમિતિના સભ્ય અને સમાજસેવક છે. 2009માં BSPની ટિકિટ પર લોકસભાની ચૂંટણી લડી અને હાર્યા. ત્યારબાદ ક્યારેય રાજકારણમાં આવ્યા નથી. અયોધ્યાના કમિશ્નર એમપી અગ્રવાલે રામ જન્મભૂમિ રિસીવર તરીકે ચાર્જ છોડી દીધો છે. તેમણે આ ચાર્જ અયોધ્યા રાજ પરિવારના બિમલેન્દ્ર મોહન પ્રતાપ મિશ્રાને સોંપ્યો છે. બિમલેન્દ્ર મોહનને રામ જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટના ટ્રસ્ટી બનાવવામાં આવ્યા છે. અત્યાર સુધીના નિયમો અનુસાર કમિશ્નર જ રામ જન્મભૂમિના રિસીવર હોય છે.
ડો. અનિલ કુમાર મિશ્રા
મૂળ રૂપે આંબેડકરનગર નિવાસી અનિલ અયોધ્યાના પ્રસિદ્ધ હોમિયોપેથિક ડોક્ટર છે. તેઓ હોમિયોપેથી મેડિસીન બોર્ડના રજિસ્ટ્રાર છે. મિશ્રાએ 1992માં રામમંદિર આંદલોનમાં પૂર્વ સાંસદ વિનય કટિયાર સાથે મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી. અત્યારે સંઘના અવધ પ્રાંતના પ્રાંત કાર્યવાહક પણ છે.
કામેશ્વર ચૌપાલ, પટના (SC સભ્ય):
સંઘે કામેશ્વરને પહેલા કારસેવકનો દરજ્જો આપ્યો છે. તેમણે 1989માં રામમંદિરમાં શિલાન્યાસની પહેલી ઈંટ રાખી હતી. રામમંદિર આંદોલનમાં સક્રિય ભૂમિક અને દલિત હોવાના કારણે તેમને આ મોકો મળ્યો છે. 1991માં રામવિલાસ પાસવાન વિરુદ્ધ લોકસભાની ચૂંટણી પણ લડી હતી.
મહંત દિનેન્દ્ર દાસ:
નિર્મોહી અખાડા, અયોધ્યા બેઠક, અયોધ્યા( નિર્મોહી અખાડાના પ્રતિનિધિ), જેઓ સુપ્રીમ કોર્ટના ચૂકાદાના પેરા 805(4)ના નિર્દેશાનુસાસન ટ્રસ્ટી હશે. 10 વર્ષની ઉંમરમાં જ દિનેન્દ્ર દાસને મઠિયા આશ્રમના મહંત બનાવવામાં આવ્યા હતા. ત્યારપછી તે સાધુ પરંપરામાં સામેલ થઈ ગયા.
કેન્દ્ર સરકાર દ્વારા નોમિનેટેડ એક પ્રતિનિધિ જે હિન્દુ ધર્મના હશે અને કેન્દ્ર સરકાર અંતર્ગત IAS અધિકારી હશે. આ વ્યક્તિ ભારત સરકારના સંયુક્ત સચિવના પદથી નીચે નહીં હોય. તે એક હોદ્દાની રૂએ સભ્ય હશે. તેવી જ રીતે રાજ્ય સરકાર દ્વારા નોમિનેટેડ એક પ્રતિનિધિ જે હિન્દુ ધર્મના હશે અને ઉત્તર પ્રદેશ સરકાર અંતર્ગત IAS અધિકારી હશે. તે વ્યક્તિ રાજ્ય સરકારના સચિવ પદથી નીચે નહીં હોય. તેઓ પણ એક હોદ્દાની રૂએ સભ્ય હશે.
અયોધ્યા જિલ્લાના ડિસ્ટ્રીક્ટ કલેક્ટર જે સરકારના પૂર્વ કર્મચારી અને હિન્દુ ધર્મના હશે તેમને જ ટ્રસ્ટી બનાવવામાં આવશે. જો કોઇ કારણથી વર્તમાન કલેક્ટર હિન્દુ નહીં હોય તો અયોધ્યાના એડિશનલ કલેક્ટર (હિન્દુ ધર્મ) હોદ્દાની રૂએ સભ્ય રહેશે.
રામમંદિર વિકાસ અને પ્રશાસનથી જોડાયેલા મામલાઓના ચેરમેન અને તેની નિયુક્તિ ટ્રસ્ટનું બોર્ડ કરશે. તેમનું હિન્દુ હોવું જરૂરી છે અને સાથે તે પૂર્વ કર્મચારી રહી ચૂક્યા હોવા જોઇએ.
આ ઉપરાંત કેટલાક પ્રશાસનિક અધિકારીઓને પણ ટ્રસ્ટમાં સામેલ કરવાનો નિયમ બનાવવામાં આવ્યો છે. મહત્વનું છે કે, અયોધ્યા મંદિર નિર્માણની જવાબદારી હવે ટ્રસ્ટની રહેશે. સાથે જ સરકારનો આ ટ્રસ્ટમાં કોઈ હસ્તક્ષેપ નહીં રહે. મંદિર નિર્માણ સંબંધિત તમામ નિર્ણયો ટ્રસ્ટ દ્વાર જ લેવામાં આવશે.