જૂન, જુલાઈ અને ઓગસ્ટમાં પડશે ભારે વરસાદઃ IMD

નવી દિલ્હીઃ દેશમાં પડી રહેલી કાળઝાળ ગરમીની વચ્ચે મોન્સુનને લઈને સારા સમાચાર છે. હવામાન વિભાગ અનુસાર આ વર્ષે સરેરાશથી વધુ વરસાદ પડશે. દેશમાં જૂનથી સપ્ટેમ્બર સુધી 106 ટકા વરસાદ વરસવાની સંભાવના છે. દેશમાં સામાન્ય રીતે જૂનથી સપ્ટેમ્બર સુધી સામાન્યથી વધુ મોન્સુન રહેવાની સંભાવના છે. જૂનથી ઓગસ્ટ, 2024માં લા નિનાની સ્થિતિ વિકસિત થવાની શક્યતા છે. જેને પગલે ઉત્તર પશ્ચિમી ભારતમાં 30 મે પછી ગરમી ઓછી થવાની સંભાવના છે.

હવામાન વિભાગે પત્રકાર પરિષદ કરીને જણાવ્યું હતું કે આગામી ત્રણ મહિના એટલે કે જૂન, જુલાઈ અને ઓગસ્ટમાં ભારે વરસાદ પડે એવી શક્યતા છે. અલ નિનો હાલ ખતમ થઈ રહ્યું છે. હવે લા-નિના વિકસિત થઈ શકે છે અને એ જૂનથી ઓગસ્ટમાં વિકસિત થઈ શકે છે.

આગામી ત્રણ-ચાર દિવસમાં કેરળ પહોંચવાની સંભાવના છે. મોન્સુન દિલ્હી 29 જૂને પહોંચવાની અપેક્ષા છે, જ્યારે રાજસ્થાનમાં એ સાત જુલાઈએ મોન્સુન પહોંચવાની વકી છે.

પૂર્વ તટ પર બંગાળની ખાડીની તુલને પશ્ચિમ તટ પર સ્થિત અરબ સાગર વધુ ઠંડો રહે છે, એટલે ત્યાં વધુ વાવાઝોડા પણ આવે છે. સમુદ્રમાં પાણી ઠંડા હોવાને કારણે લા નિનાની સ્થિતિ બને છે અને મોન્સુનના મહિનાઓમાં તેજ અને અને ભારે વરસાદ થાય છે- આ વખતે જૂન, જુલાઈ અને ઓગસ્ટમાં ભારે વરસાદ થવાની સંભાવના છે.

હવામાન વિભાગે જણાવ્યું હતું કે આંદામાન નિકોબાર દ્વીપમાં મોન્સુનનું આગમન થઈ ચૂક્યું છે. ત્યાર બાદ તે કેરળ પહેલી જૂનની આસપાસ પહોંચશે.