નવી દિલ્હી – ચૂંટણી પંચે ઝારખંડ રાજ્યની વિધાનસભા ચૂંટણીની તારીખો આજે જાહેર કરી દીધી છે.
અહીં પત્રકાર પરિષદમાં વડા ચૂંટણી કમિશનર સુનીલ અરોરાએ કહ્યું હતું કે 81-બેઠકોવાળી ઝારખંડ વિધાનસભાની ચૂંટણી પાંચ તબક્કામાં યોજાશે.
જે પાંચ તબક્કામાં મતદાન થશે એની તારીખો છે – 30 નવેંબર, 7 ડિસેંબર, 12 ડિસેંબર, 16 ડિસેંબર અને 20 ડિસેંબર. 23 ડિસેંબરે મતગણતરી કરવામાં આવશે અને એ જ દિવસે પરિણામ જાહેર કરાશે.
ઝારખંડ વિધાનસભાની મુદત આ વર્ષની 27 ડિસેંબરે પૂરી થાય છે.
એવી અટકળો હતી કે ચૂંટણી પંચ દિલ્હી વિધાનસભાની ચૂંટણીની તારીખ પણ આજે જાહેર કરશે, પણ એ તેણે કરી નથી.
ઝારખંડની શાસક ભારતીય જનતા પાર્ટી સિવાય તમામ રાજકીય પક્ષોએ એવી માગણી કરી હતી કે રાજ્યમાં માત્ર એક જ તબક્કામાં મતદાન થઈ જવું જોઈએ.
ઝારખંડમાં હાલ મુખ્ય પ્રધાન રઘુબર દાસના નેતૃત્ત્વ હેઠળ ભાજપનું શાસન છે અને તે પોતાની સત્તા જાળવી રાખવા આશાવાદી છે.
2014ની વિધાનસભા ચૂંટણીમાં, ભાજપે 37 સીટ જીતી હતી જ્યારે એના સહયોગી પક્ષ ઓલ ઝારખંડ સ્ટુડન્ટ્સ યુનિયન (એજેએસયૂ)એ પાંચ સીટ મેળવી હતી. એ રીતે, એનડીએ ગ્રુપે સરકાર રચવા માટે 41-સીટની બહુમતીનો આંક પ્રાપ્ત કરી લીધો હતો.