નવી દિલ્હીઃ જમ્મૂ કાશ્મીરમાં આતંકિઓએ ફરીએકવાર પોલીસકર્મીઓને પોતાનો શિકાર બનાવ્યા છે. રાજ્યમાં પંચાયત ચૂંટણી નજીકમાં છે અને તેના પહેલા જ આતંકીઓ ઘાટીનો માહોલ બગાડવા માંગે છે. આજે આતંકવાદીઓએ સ્થાનિક પોલીસકર્મીઓને તેમના ઘરેથી કીડનેપ કર્યા અને એમાંથી ત્રણ પોલીસકર્મીની હત્યા કરી દીધી છે.
આતંકવાદીઓએ એક પોલીસકર્મીને છોડી પણ દીધો હતો. આ ઘટના હિજબુલ આતંકી રિયાઝ નાઈકૂની એ ધમકી બાદ થઈ કે જ્યારે એણે કહ્યું હતું કે ચાર દિવસની અંદર પોલીસવાળા પોતાની નોકરી છોડી દે નહીતર પરિણામ ખરાબ આવશે. આ ધમકી બાદ આતંકીઓએ પોલીસકર્મીઓની હત્યા કરી દીધી.
જે ત્રણ પોલીસ કર્મચારીઓની હત્યા કરવામાં આવી છે તેમાં બે એસપીઓ અને કોન્સ્ટેબલ છે. જ્યારે ફયાદ અહમદ ભટ્ટને આતંકીઓએ છોડી મૂક્યો હતો. આ ઘટના બાદ રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન મહેબુબા મુફ્તીએ જણાવ્યું છે કે 3 પોલીસ કર્મચારીઓની હત્યા કરવામાં આવી તે દુઃખદ ઘટના છે. મુફ્તીએ જણાવ્યું કે કેન્દ્ર સરકાર જેવી રીતે ઘાટીમાં કડક પોલીસી અપનાવી રહી છે આ તેની જ અસર છે. આ પહેલા પણ ઘણીવાર આતંકીઓએ પોલીસ કર્મચારીઓને કિડનેપ કરીને ક્રૂરતા પૂર્વક તેમની હત્યા કરી નાંખી હતી. અને ત્યારબાદથી જ ઘાટીમાં વાતાવરણ તંગ છે.