શ્રીનગર- જમ્મુ અને કશ્મીરમાં યુદ્ધવિરામની સમય મર્યાદા પુરી થયા બાદ આતંકીઓ વિરુદ્ધ ફરી એકવાર સેનાએ કામગીરી શરુ કરી છે. જે અંતર્ગત આજે સવારે સુરક્ષા દળોએ જમ્મુ-કશ્મીરના બિજબેહરામાં ત્રાસવાદીઓ સામે સર્ચ ઓપરેશન શરુ કર્યું હતું. આપને જણાવી દઈએ કે, યુદ્ધવિરામ પુરો થયા બાદ આતંકવાદીઓ સામે સેનાની આ પ્રથમ કાર્યવાહી છે.બાંદીપુરામાં બે આતંકી ઠાર
આ ઉપરાંત સોમવારના સર્ચ ઓપરેશન દરમિયાન સેનાએ બાંદીપુરામાં બે આતંકીઓને ઠાર કર્યા છે. આ પહેલા 14 જૂને પણ સેનાએ એક એન્કાઉન્ટર દરમિયાન બે આતંકી ઠાર કર્યા હતાં. જેમાં સેનાનો એક જવાન પણ શહીદ થયો હતો. આ ઓપરેશન બાંદીપુરાના જંગલ વિસ્તારમાં કરવામાં આવ્યું હતું. મળતી માહિતી મુજબ અહીં લશ્કર-એ-તૈયબાના આતંકી સંગઠનનું એક જૂથ પણ છુપાયેલું હતું.
સેનાએ 12 જૂને અહીં ઓપરેશન શરુ કર્યું હતું. ત્યારબાદ 14 જૂનના રોજ બે આંતકીઓને ઠાર મારવામાં આવ્યા હતા. ત્યારથી અહીં સર્ચ ઓપરેશન ચાલુ છે.
રમજાન મહિનો પુરો થતાની સાથે જ કેન્દ્ર સરકારે જમ્મુ-કશ્મીરમાં સુરક્ષે દળો દ્વારા કરવામાં આવતા ઓપરેશન પરનો પ્રતિબંધ દુર કર્યો છે. ગૃહમંત્રાલયે રમજાન મહિના દરમિયાન શાંતિના ઉદ્દેશ્યથી એકતરફી યુદ્ધવિરામની જાહેરાત કરી હતી. જોકે આતંકીઓએ તેની નાપાક કરતૂતોથી કેન્દ્ર સરકારના નિર્ણયની મજાક ઉડાવી હતી.
આપને જણાવી દઈએ કે, ગત 16 મેથી રમજાન મહિનો શરુ થવાને કારણે કશ્મીર ઘાટીમાં એકતરફી યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી હતી. જે દરમિયાન 17 મેથી 14 જૂન વચ્ચે જમ્મુ-કશ્મીરમાં કુલ 62 આતંકી ઘટનાઓ થઈ હતી.