શ્રીનગરઃ કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કશ્મીરના અનંતનાગ જિલ્લામાં પોલીસે ત્રણ ખૂંખાર ત્રાસવાદી સહિત 11 જણની ધરપકડ કરીને ત્રાસવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના બે ત્રાસવાદી મોડ્યૂલનો પર્દાફાશ કર્યો છે. જમ્મુ અને કશ્મીર પોલીસે બહાર પાડેલા નિવેદનમાં જણાવ્યાનુસાર, ધરપકડ કરાયેલા શખ્સો પાસેથી શસ્ત્રો, દારૂગોળો તથા કેટલીક વાંધાજનક સામગ્રી પણ જપ્ત કરવામાં આવી છે. પોલીસને પાકી બાતમી મળી હતી કે જૈશ સંગઠનના ત્રાસવાદીઓ અનંતનાગ જિલ્લાના શ્રીગુફવાડા અને બિજબેહારા વિસ્તારોમાં હુમલો કરવાની તજવીજમાં છે. એને પગલે પોલીસે અનેક ચેકનાકાઓ ખાતે કડક જાપ્તો ગોઠવી દીધો હતો. શ્રીગુફવાડાના એક સ્થળે કરાયેલી નાકાબંધી સ્થળે એક મોટરબાઈક સવાર અને તેની સાથે બેઠેલા જણે ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસ જવાનોએ તરત જ એમનો પીછો કર્યો હતો અને એમને પકડી લીધા હતા.
એમની ઝડતીને પગલે એમની પાસેથી બે પિસ્તોલ, કારતૂસોનો પટ્ટો અને દારૂગોળો મળી આવ્યા હતા. પૂછપરછ દરમિયાન આ ત્રણ જણે એમના નામ આપ્યા હતાઃ અબ્બાસ આહ ખાન, ઝહૂર આહ ગોજુરી અને હિદાયતુલ્લા કુતાય. એમણે જણાવ્યું હતું કે તેઓ જૈશ-એ-મોહમ્મદ સંગઠન સાથે સંકળાયેલા છે અને એમના સાથીઓ પાકિસ્તાનસ્થિત આકાઓની સૂચના મુજબ, શ્રીગુફવાડામાં પોલીસો પર હુમલો કરવાની તૈયારીમાં છે. પોલીસે ત્યારબાદ એમના વધુ બે સાગરિતની પણ ધરપકડ કરી હતી.
(ફાઈલ તસવીર)