નવી દિલ્હી – પુલવામા ટેરર હુમલાના સૂત્રધાર જૈશ-એ-મોહમ્મદ સંગઠનના વડા મૌલાના મસૂદ અઝહર, લશ્કર-એ-તૈબાના વડા હાફીઝ સઈદ અને ઝાકી-ઉર-રેહમાન લખ્વી તથા અન્ડરવર્લ્ડ ડોન તથા 1993ના મુંબઈ બોમ્બ વિસ્ફોટોના સૂત્રધાર દાઉદ ઈબ્રાહિમને ભારત સરકારે ત્રાસવાદ-વિરોધી કાયદા હેઠળ આજે ત્રાસવાદી ઘોષિત કર્યા છે.
ગયા જુલાઈમાં ભારત સરકારે પાસ કરેલા ખરડા અંતર્ગત આ પહેલી જ વાર વ્યક્તિઓને ત્રાસવાદી ઘોષિત કરવામાં આવી છે. આ કાયદામાં હવે એવી જોગવાઈ છે કે જે કોઈ પણ વ્યક્તિ ત્રાસવાદી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી હોવાની સરકારને શંકા જાય તો તે એને ત્રાસવાદી ઘોષિત કરી શકે છે અને રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ વ્યક્તિની સંપત્તિને કબજામાં લઈ શકે છે. આ માટે NIAને રાજ્યની પોલીસ પાસેથી પરવાનગી લેવાની જરૂર નથી રહી.
અઝહરની આગેવાની હેઠળના જૈશ-એ-મોહમ્મદ ત્રાસવાદી સંગઠને 2001માં સંસદભવન પર હુમલો કરાવ્યો હતો અને આ વર્ષના આરંભમાં જમ્મુ-કશ્મીરના પુલવામા જિલ્લામાં હુમલો કરાવ્યો હતો, જેમાં સીઆરપીએફના 40 જવાન માર્યા ગયા હતા. અઝહરને યુનાઈટેડ નેશન્સની સુરક્ષા પરિષદે 2019ની 1 મેએ આંતરરાષ્ટ્રીય ત્રાસવાદી ઘોષિત કરી દીધો છે.
અઝહરને 1994માં કશ્મીરના અનંતનાગમાંથી પકડવામાં આવ્યો હતો, પણ 1999ના ડિસેંબરમાં ઈન્ડિયન એરલાઈન્સની ફ્લાઈટ IC814નું અપહરણ કરનાર અપહરણકારોએ અઝહરને જેલમાંથી છોડી મૂકવામાં આવે તો જ બાનમાં પકડેલા વિમાનપ્રવાસીઓને છોડી દેવાની શરત રાખ્યા બાદ તે વખતની કેન્દ્ર સરકારે અઝહરને છોડી દીધો હતો.
હાફીઝ સઈદ NIAની મોસ્ટ વોન્ટેડ ગુનેગારોની યાદીમાં છે. એ 2008ના મુંબઈ ટેરર હુમલાઓનો સૂત્રધાર છે. નવેંબરની 26 તારીખે સાંજે લશ્કર-એ-તૈબાના 10 ત્રાસવાદીઓએ મુંબઈમાં 12 જગ્યાએ શ્રેણીબદ્ધ રીતે ગોળીબાર અને બોમ્બ વિસ્ફોટો વડે હુમલા કર્યા હતા. એ હુમલા ચાર દિવસ સુધી ચાલ્યા હતા, જેમાં 174 જણ માર્યા ગયા હતા અને બીજાં 300 જણ ઘાયલ થયા હતા. સુરક્ષા જવાનોએ 9 હુમલાખોરને મારી નાખ્યા હતા અને એક ત્રાસવાદી અજમલ કસાબ જીવતો પકડાયો હતો, જેને બાદમાં ફાંસી આપવામાં આવી હતી.
ભારતે સઈદના લશ્કર-એ-તૈબા અને જમાત-ઉદ-દાવા સંગઠનો પર પ્રતિબંધ મૂક્યો જ છે અને સંયુક્ત રાષ્ટ્રસંઘ, બ્રિટન, યુરોપીયન યુનિયન, રશિયા અને ઓસ્ટ્રેલિયાએ પણ તેની પર પ્રતિબંધ મૂક્યો છે. ઝાકી-ઉર-રેહમાન લખ્વી લશ્કર-એ-તૈબાનો ચીફ ઓપરેશન્સ કમાન્ડર છે.
દાઉદ ઈબ્રાહિમ હાલ પાકિસ્તાનમાં રહેતો હોવાનું મનાય છે. એણે 1993માં મુંબઈમાં કરવામાં આવેલા સિરિયલ બોમ્બ વિસ્ફોટ હુમલાઓમાં ચાવીરૂપ ભાગ ભજવ્યો હોવાનું મનાય છે. એ હુમલાઓમાં 300 જેટલા લોકો માર્યા ગયા હતા. દાઉદ વિશ્વના ટોચના 10 મોસ્ટ વોન્ટેડ ગુનેગારોમાંનો એક છે. એને ગ્લોબલ ટેરરિસ્ટ ઘોષિત કરવામાં આવ્યો છે.