ગાજી એટલી ન વરસી મુદ્રા યોજનાઃ રોજગારીસર્જન માત્ર 10 ટકા

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે મુદ્રા લોન યોજના દ્વારા દેશમાં ઉદ્યોગ સાહસિકતાને વેગ આપવાની વાત કહી હતી, અને આનાથી દેશમાં મોટા પાયે રોજગાર પેદા થશે, તેવો વાયદો કર્યો હતો. પરંતુ શ્રમ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આંકડાઓ અનુસાર મુદ્રા યોજના માત્ર 10 ટકા નોકરીઓ જ પેદા કરી શકી છે. રિપોર્ટ અનુસાર મુદ્રા યોજનાથી લીધેલી લોનથી સરેરાશ પાંચ લોકોમાંથી માત્ર એક વ્યક્તિએ જ બિઝનેસ શરુ કર્યો છે. બાકી જૂના બિઝનેસને વેગ આપવાનું કામ થયું છે.પ્રાપ્ત વિગતો અનુસાર શ્રમ મંત્રાલય અંતર્ગત આવનારા લેબર બ્યૂરોએ આ સર્વે કર્યો છે, જે અનુસાર એપ્રિલ 2015 થી ડિસેમ્બર 2017 સુધી 1.12 કરોડ વધારે નોકરીઓનું સર્જન થયું છે, જેમાં 51.06 લાખ સેલરી વાળા કર્મચારીઓ છે. સર્વેના ડ્રાફ્ટ રિપોર્ટને 27 માર્ચ 2019 ના રોજ તૈયાર કરવામાં આવ્યો હતો, જેમાં જણાવવામાં આવ્યું કે એપ્રિલ નવેમ્બર 2018 દરમિયાન 97 હજાર જેટલા લોકોને મુદ્રા લોન યોજના અંતર્ગત ફાયદો મળ્યો છે. મુદ્રા લોન યોજના અંતર્ગત કુલ 5.71 લાખ કરોડની લોન પ્રથમ ત્રણ વર્ષમાં આપવામાં આવી. આપવામાં આવેલી લોનની સરેરાશ રકમ 46,536 રુપિયા રહી.

મુદ્રા યોજના અંતર્ગત ત્રણ કેટેગરીમાં લોન આપવામાં આવે છે. પ્રથમ શિશુ લોન અંતર્ગત 50 હજાર રુપિયા સુધીની લોન આપવામાં આવે છે. કિશોર કેટેગરી અંતર્ગત 50 હજારથી 5 લાખ રુપિયા સુધીની લોન આપવામાં આવે છે. ત્રીજી કેટેગરી તરુણ છે. આ કેટેગરી અંતર્ગત 5 થી 10 લાખ રુપિયાની લોન આપવામાં આવે છે. વર્ષ 2017-18 દરમિયાન આપવામાં આવેલી લોનમાંથી શિશુ લોનનો ભાગ 42 ટકા છે. તો કિશોર લોનનો ભાગ 34 ટકા છે. તરુણ લોનની ભાગીદારી 24 ટકા છે. તો શિશુ લોનથી 66 ટકા નોકરીઓ ઉત્પન્ન થઈ છે. કિશોર લોનથી 18 ટકા અને તરુણ લોનથી 15 ટકા લોકોને રોજગાર મળ્યો છે. આમાં કૃષિ ક્ષેત્રથી 22 લાખ જેટલી નોકરીઓનું સર્જન થયું છે, જ્યારે મેન્યુફેક્ચરિંગ સેક્ટરથી 13 લાખ નોકરીઓનું સર્જન થયું છે.