નિરાશાઃ ‘વિક્રમ’ લેન્ડર સાથે ‘ઈસરો’નાં વિજ્ઞાનીઓનો સંપર્ક તૂટ્યો

બેંગલુરુ – ભારતના મહત્ત્વાકાંક્ષી ચંદ્રમિશન પર ગયેલા ચંદ્રયાન-2નું ‘વિક્રમ’ લેન્ડર આજે વહેલી સવારે ચંદ્રની ધરતી પર ઉતરીને ઈતિહાસ સર્જવાની તૈયારીમાં જ હતું અને ચંદ્રની સપાટી પર ઉતરાણ કરવાથી તે માત્ર 2.1 કિલોમીટર દૂર હતું ત્યારે એનો સંપર્ક ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો) સંસ્થાના અત્રેના મિશન કન્ટ્રોલ સેન્ટર સાથેનો તૂટી જતાં નિરાશા ફરી વળી હતી.

ચંદ્રયાન-2 મિશન પરનું ઓર્બિટર જોકે હજી પણ ઈસરોનાં કન્ટ્રોલ રૂમ સાથે જોડાયેલું છે.

ચંદ્રયાન2 અવકાશયાન ચંદ્રની ધરતી પર ઉતરવા માટે અગ્રસર હતું, બધું બરાબર આગળ વધી રહ્યું હતું, પરંતુ ‘વિક્રમ’ લેન્ડર સાથેનો સંપર્ક તૂટી જતાં ઈસરો સંસ્થાના ટેલીમેન્ટ્રી, ટ્રેકિંગ અને કમાન્ડ નેટવર્ક ખાતેના વિજ્ઞાનીઓ નર્વસ થઈ ગયા હતા. ભારતની વૈજ્ઞાનિક સિદ્ધિને નિહાળવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અત્રે ઈસરો ખાતે હાજર હતા અને વિશાળ સ્ક્રીન પર એમણે અવકાશયાનની પ્રગતિને નિહાળી હતી.

ચંદ્રયાન-2 ચંદ્રની ધરતી પર સફળતાપૂર્વક ઉતરાણ કરે એ માટે આખું ભારત પ્રાર્થના કરી રહ્યું હતું, પરંતુ ઈસરોના નિરાશ થયેલા ચેરમેન કે. સિવને બાદમાં જાહેરાત કરી હતી કે વિક્રમ લેન્ડર સાથેનો સંપર્ક તૂટી ગયો છે.

શું વિક્રમ લેન્ડર દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું છે? એવા સવાલના જવાબમાં ઈસરોનાં એક વિજ્ઞાની દેવીપ્રસાદ કર્ણિકે કહ્યું કે ડેટાની ચકાસણી કરવામાં આવી રહી છે અને ઈસરો પાસે હજી કોઈ આખરી પરિણામ નથી. ડેટા એનલાઈઝ કરવામાં સમય લાગશે અને વિક્રમ લેન્ડરનું શું થયું એ વિશે ઈસરો હાલ ચોક્કસપણે કંઈ કહી શકે એમ નથી.

ઈસરોનાં ચેરમેન તથા અન્ય સિનિયર વિજ્ઞાનીઓએ મિશન કન્ટ્રોલ સેન્ટર સાથે વિક્રમ લેન્ડરનો સંપર્ક તૂટી જવાની જાણકારી વડા પ્રધાનને આપી હતી. વડા પ્રધાને ઈસરોનાં વિજ્ઞાનીઓની મહેનતની પ્રશંસા કરી હતી અને કહ્યું કે જીવનમાં ચડતી-પડતી આવ્યા કરે. આપણને ચંદ્ર પર આપણું અવકાશયાન ઉતારવાનો ફરી મોકો મળશે.

ચંદ્રયાન-2 મિશનને આ બીજી વાર પણ સંપૂર્ણ સફળતા નથી મળી. પરંતુ, વડા પ્રધાન મોદીએ ઈસરોનાં વિજ્ઞાનીઓને હિંમત આપતા કહ્યું છે કે, ‘આપણા પ્રયાસોની યાત્રા ચાલુ રહેશે.’

મોદીએ ઈસરોનાં વિજ્ઞાનીઓને કહ્યું કે, સમગ્ર દેશ તમારા માટે ગર્વની લાગણી અનુભવે છે. તમારા સૌનાં પુરુષાર્થથી દેશને એક વાર ફરીથી આનંદના સમાચાર મળશે. હિંમત રાખજો. હું તમારી સાથે જ છું. આપણું ચંદ્રયાન ચંદ્રની ધરતી પર ઉતરશે એવી આશા છે.

ચંદ્રયાન-2ના વિક્રમ લેન્ડરનું ચંદ્રની દક્ષિણ ધ્રુવ સપાટી પર શનિવારે વહેલી સવારે દોઢ અને અઢી વાગ્યાની વચ્ચે સોફ્ટ લેન્ડિંગ થવાનું હતું. એ ઘટના પર સમગ્ર વિશ્વની નજર મંડાયેલી હતી. વિક્રમ લેન્ડરના સફળ ઉતરાણ બાદ પ્રજ્ઞાન રોવર પણ સવારે 5.30 અને 6.30 વાગ્યાની વચ્ચે એમાંથી બહાર આવવાનું હતું અને પોતાની કામગીરી શરૂ કરવાનું હતું.

ચંદ્રયાન-2 એ ચંદ્ર ગ્રહના સંશોધન માટે તેની ધરતી પર અવકાશયાન ઉતારવાનો ભારતનો બીજો પ્રયાસ હતો. ચંદ્રયાન-2ને ગઈ 22 જુલાઈએ શ્રીહરિકોટાસ્થિત સતિષ ધવન સ્પેસ સેન્ટર ખાતેથી અવકાશમાં મોકલવામાં ઈસરોનાં વિજ્ઞાનીઓને સફળતા મળી હતી.

ચંદ્ર પર અવકાશયાન ઉતારવામાં અત્યાર સુધીમાં માત્ર ત્રણ દેશને જ સફળતા મળી છે – અમેરિકા, રશિયા અને ચીન. એમાંય ચંદ્રની દક્ષિણ બાજુ, જે અંધારાવાળી અને અત્યંત ઠંડી છે, ત્યાં હજી સુધી કોઈ દેશે અવકાશયાન ઉતાર્યું નથી. ભારત ચંદ્રયાન-2 દ્વારા એ સિદ્ધિ હાંસલ કરવાની તૈયારીમાં હતું.

ભારતના ચંદ્રયાન-2ની ઐતિહાસિક સફળતા લાઈવ નિહાળવા માટે, સકારાત્મક અભિગમ અપનાવવા અને વિજ્ઞાનમાં ઊંડો રસ લેવા માટે વડા પ્રધાન મોદીએ ઈસરો ખાતે 74 બાળકોને પણ આમંત્રિત કર્યા હતા.