‘ઈસરો’ની સિદ્ધિ: 36 બ્રોડબેન્ડ સેટેલાઈટ્સ લોન્ચ કર્યા

શ્રીહરિકોટા (આંધ્ર પ્રદેશ): ભારતની અવકાશ સંશોધન સંસ્થા ‘ઈસરો’એ તેના હેવી-લિફ્ટ રોકેટ GSLV MkIII દ્વારા બ્રિટનસ્થિત કંપનીના 36 વનવેબ (બ્રોડબેન્ડ) સેટેલાઈટ્સને નિશ્ચિત ભ્રમણકક્ષામાં સફળતાપૂર્વક સ્થાપિત કરીને જાગતિક કમર્શિયલ લોન્ચ માર્કેટમાં ધમાકેદાર રીતે પ્રવેશ કર્યો છે. આજના મિશન માટે આ રોકેટને LVM3 M2 નું નવું નામ આપવામાં આવ્યું હતું. આ સાથે જ, આ માર્કેટમાં ચાલી રહેલી હરીફાઈમાં ભારતના રોકેટનો ઉમેરો થયો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઈસરો સંસ્થાના વિજ્ઞાનીઓને આ જ્વલંત સફળતા બદલ સોશ્યલ મીડિયાના માધ્યમથી અભિનંદન આપ્યા છે.

43.5 મીટર લાંબા કદનું અને 644 ટન વજનનું LVM3 M2 રોકેટ 36 સેટેલાઈટ્સ સાથે અવકાશ ભણી રવાના થયું હતું. આ 36 સેટેલાઈટ્સનું કુલ વજન 5,796 કિલોગ્રામ અથવા 5.7 ટન હતું. આ રોકેટ ગઈ મધરાત બાદ 12.07 વાગ્યે સતિષ ધવન સ્પેસ સેન્ટર ખાતેથી વિસ્ફોટ સાથે અને પોતાની પાછળ ધૂમાડો છોડતું અવકાશ ભણી રવાના થયું હતું. એને કારણે મધરાતે અંધકારમાં આકાશ ખૂબ પ્રકાશિત થઈ ગયું હતું. LVM3 M2 રોકેટ લગભગ 20 મિનિટની સફરમાં રહ્યું હતું અને બાદમાં એણે નેટવર્ક એક્સેસ એસોસિએટેડ લિમિટેડ (વનવેબ)ના સેટેલાઈટ્સને પોતાનાથી અલગ કરીને પૃથ્વીની નીચલા સ્તરની ભ્રમણ કક્ષામાં મૂકવાનું શરૂ કર્યું હતું.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]