નવી દિલ્હીઃ ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO) એટલે કે ઇસરોની મદદથી હવે અપરાધીઓનો પણ ખુલાસો થવા લાગ્યો છે. ઇસરોના સેટેલાઇટ દેશના વિકાસમાં વિવિધ ક્ષેત્રોમાં પહેલેથી ઉપયોગી રહ્યાં છે. સંદેશવ્યવહાર, દુશ્મન દેશો પર નજરથી માંડીને નકશા સુધીમાં એનો ઉપયોગ પહેલેથી કરવામાં આવી રહ્યો છે, પણ હવે એની મદદથી અપરાધી પણ પકડાઈ રહ્યા છે.
નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (NCB)એ ગુજરાતમાં ઇસરોની મદદથી કુખ્યાત ડ્રગ માફિયા ઇસા રાવની સંપત્તિને પકડવાનો દાવો કર્યો છે. NCBએ ઇસરોની મદદથી એ કાર્યવાહી કરી છે. મોરબીમાં રૂ. 600 કરોડની હેરોઇન પકડવાના કેસમાં ઇસા રાવ મુખ્ય આરોપી છે. હાલ તે ભારતમાંથી ભાગી ચૂક્યો છે. ઇસા રાવની દ્વારકા સિવાય મોરબીમાં પણ ગેરકાયદે સંપત્તિ છે.
ઇસરા દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવેલી સેટેલાઇટ ફોટોથી માલૂમ પડ્યું હતું કે તેણે છેલ્લાં ત્રણ વર્ષોમાં દ્વારકા જિલ્લાના જોડિયા ગામમાં સંપત્તિ બનાવી હતી ને રૂ. 50 લાખથી વધુંનો બંગલો બનાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આ ફોટોમાં 2019થી બાંધકામના વિવિધ તબક્કા નજરે ચઢી રહ્યા છે.
નવેમ્બર, 2021માં ગુજરાત ATSએ મોરબી જિલ્લાના જિંજુડા ગામના એક નિર્માણાદીન મકાનમાંથી રૂ. 600 કરોડની 120 કિલોગ્રામ હેરોઇન જપ્ત કરી હતી અને ઇશા રાવના ભાઈ મુખ્તાર હુસૈન સહિત ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. ATSએ કહ્યું હતું કે એ માદક પદાર્થ રાવના પાકિસ્તાની સાથીઓએ સમુદ્ર માર્ગથી મોકલ્યો હતો. તપાસમાં ખુલાસો થયો હતો કે આ માદક પદાર્થના દંધાથી જે પૈસા બનાવવામાં આવ્યા હતા, એમાંથી એ સંપત્તિ બનાવવામાં આવી હતી. તેનો પરિવાર તપાસમાં સહયોગ નહોતો કરી રહ્યો, જેથી બ્યુરોએ એ સ્થાપિત કરવા માટે સેટેલાઇટ ફોટોનો ઉપયોગ કર્યો હતો કે એ સંપત્તિ ત્રણ વર્ષોમાં બનાવી હતી. રાવ હાલ પાકિસ્તાનના કરાચીમાં છે.
