ઈઝરાયલ-હમાસ યુદ્ધ: બાળકો પ્રતિ દયાભાવ રાખવાની 29 નોબેલવિજેતાઓની અપીલ

નવી દિલ્હીઃ ઈઝરાયલ અને હમાસ આતંકવાદી સંગઠન વચ્ચે હાલ ભીષણ લોહિયાળ યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે ભારતના કૈલાશ સત્યાર્થી સહિત વિશ્વના 29 નોબેલ પુરસ્કાર વિજેતાઓએ અપીલ કરી છે કે યુદ્ધમાં બાળકો પ્રતિ દયા રાખવામાં આવે. આ નોબેલવિજેતાઓએ એક સંયુક્ત નિવેદનમાં દુનિયાના દેશોને યાદ અપાવ્યું છે કે ઈઝરાયલ હોય કે ગાઝા, ત્યાં રહેતાં તમામ બાળકો આપણા બાળકો છે અને એમને રક્ષણ તથા તાત્કાલિક માનવતાવાદી સહાયતાની જરૂર છે.

આ અપીલ નિવેદન 2014માં નોબેલ શાંતિ પુરસ્કાર જીતનાર સત્યાર્થીએ તૈયાર કર્યું છે અને એમાં તેમની સાથે બીજા 28 નોબેલવિજેતાઓએ જોડાયાં છે. આ નોબેલ વિજેતાઓ તમામ છ ક્ષેત્રના છે જે માટે આ ઈનામ આપવામાં આવે છે. આ મહાનુભાવોએ અપીલ કરી છે કે અપહરણ કરાયેલા બાળકોને તાત્કાલિક મુક્ત કરવામાં આવે અને એમને યુદ્ધથી દૂર સુરક્ષિત રાખવામાં આવે. નિવેદનમાં જણાવાયું છે કે પેલેસ્ટિનીયન બાળકો આપણા બાળકો છે અને ઈઝરાયલી બાળકો પણ આપણા બાળકો છે. બાળકો પ્રત્યે કરુણા ન બતાવીએ તો આપણે સ્વયંને સભ્ય સમાજના કહી શકીએ નહીં.

ઈઝરાયલ-હમાસ યુદ્ધમાં અત્યાર સુધીમાં 3,478 લોકો માર્યા ગયા છે જેમાં 853 બાળકો છે. બીજાં 12,500 જણ ઘાયલ થયા છે. ગાઝા સિટીની અલ અહલી બેપ્ટિસ્ટ હોસ્પિટલમાં કરાયેલા બોમ્બમારામાં 471 જણ માર્યા ગયા હતા જેમાં બાળકોનો પણ સમાવેશ થાય છે.