નવી દિલ્હી- મોદી સરકાર 5 જુલાઈએ નાણાકીય વર્ષ 2019-20 માટે પૂર્ણ બજેટ રજૂ કરશે. આ બજેટ માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે બજેટ બનાવતા પહેલા 11 જૂને અગ્રણી ઉદ્યોગ ચેમ્બરોની બેઠકો બોલાવી છે, જેમાં એફડીઆઈ અને ઔદ્યોગિક ઉત્પાદન વધારવાના મુદ્દા પર ચર્ચા થશે.ફાઈલ ચિત્ર
આ વચ્ચે નાણા મંત્રાલયે આમ લોકો પાસેથી બજેટમાં શું જોગવાઈઓ હોવી જોઈએ, તેના માટે લોકો પાસેથી સૂચનો મંગાવ્યા છે. ભારત સરકારની સત્તાવાર વેબસાઈટ પર સૂચનો કરી શકાય છે. સામાન્ય જનતા પોતાના સૂચનો 20 જૂન સુધી મોકલી શકે છે.
પૂર્ણ બજેટ માટે સામાન્ય જનતા પાસેથી સૂચનો મંગાવ્યા છે, તે માટે mygov.in પર લોગઈન કરવાનું રહેશે, જેમાં બજેટ પર સૂચનોવાળી લીક પર ક્લિક કરવાની રહેશે. જેમાં નવું પેજ ખૂલશે અને તેનાં ઓટીપી ઓપ્શન દ્વારા લોગઈન કરવાનો વિકલ્પ છે. જો આપનું પહેલેથી જ રજિસ્ટ્રેશન નહી હોય તો આપે પહેલા રજિસ્ટ્રેશન કરવું પડશે.
વેબસાઈટ પર રજિસ્ટ્રેશન પેજ પર ક્યૂઆર કોડથી રજિસ્ટ્રેશન કરવાની સુવિધા છે. એસએમએસથી પણ રજિસ્ટ્રેશન કરાવી શકાય છે. 17મી લોકસભાનું પ્રથમ સત્ર 17 જૂનથી 26 જુલાઈની વચ્ચે હશે. આર્થિક સર્વે 4 જુલાઈએ સંસદમાં રજૂ થશે અને તે પછીના દિવસે 5 જુલાઈએ બજેટ રજૂ થશે.
નાણાંપ્રધાન નિર્મલા સીતારમણ 5 જુલાઈએ મોદી સરકારની બીજી ટર્મમાં પ્રથમ બજેટ રજૂ કરશે. કેન્દ્રીય બજેટ બનાવવાની પ્રક્રિયામાં સીતારમણની બજેટ ટીમમાં રાજ્યકક્ષાના નાણાંપ્રધાન અનુરાગસિંહ ઠાકુર, મુખ્ય આર્થિક સલાહકાર કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યનનો સમાવેશ થાય છે. અધિકારી ટીમની આગેવાની નાણા સચીવ સુભાષ ચંદ્ર ગર્ગ કરશે. તેમાં નાણા સચીવ ગિરીશચંદ્ર મુર્મૂ, રાજસ્વ સચીવ અજય ભૂષણ પાંડે, દીપમના સચીવ અતનુ ચક્રવર્તી અન નાણાં સેવા સચીવ રાજીવ કુમાર પણ સામેલ થશે.