દિલ્હીમાં મહિલાઓને પ્રતિ માહ રૂ. 1000 આપવાની યોજના ઘોંચમાં?

નવી દિલ્હીઃ દિલ્હીના ભૂતપૂર્વ CM અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે મહિલાઓને વચન આપ્યું હતું કે દિલ્હી સરકાર પ્રતિ મહિને તેમને રૂ. 1000 આપશે. જોકે બજેટ, 2024માં વચન છતાં આ યોજના અત્યાર સુધી લાગુ નથી થઈ શકી. CM મહિલા સન્માન તરીકે રજૂ થયેલી આ યોજના લાગુ થવામાં સંશય છે, કેમ કે નાણાં વિભાગે એને દિલ્હી સરકારની આર્થિક સ્થિતિની દ્રષ્ટિએ જોખમ ભરી બતાવી છે.

નાણાં વિભાગે દિલ્હી કેબિનેટને મહિલાઓ માટે રૂ. 1000 પ્રતિ મહિને આપવાની યોજનાના પ્રસ્તાવ પર કહ્યું હતું કે જો CM મહિલા સન્માન યોજના લાગુ કરવામાં આવશે તો સબસિડી પર સરકાર 15 ટકાથી વધીને 20 ટકા થઈ જશે. નાણાં વિભાગે એ પણ કહ્યું હતું કે દિલ્હી સરકાર દ્વારા લોન લઈને આ યોજના લાગુ કરવી સરળ નહીં હોય.

દિલ્હી વિધાનસભા ચૂંટણીથી પહેલાં આમ આદમી પાર્ટીને આ યોજનાને લાગુ કરવાની અપેક્ષા હતી. CM આતિશીએ હાલમાં જ નાણાં વિભાગને નિર્દેશ આપ્યા હતા કે તેઓ કોઈ પણ નિર્ણય ઉતાવળમાં ના લે. તેમણે નાણાં અને યોજના વિભાગોને પ્રસ્તાવ પર વિચાર કરવા અને એ અનુસાર પોતાનો મત રાખવા નિર્દેશ આપ્યો હતો.

આ યોજનાને લઈને અધિકારીઓએ નાણાં મંત્રીને રિપોર્ટ સોંપી દીધો હતો. આ યોજના માટે રૂ. 4560 કરોડનું બજેટ પ્રસ્તાવિત છે. વિભાગે આ યોજનાની ખામીઓને પણ ઉજાગર કરી હતી. દિલ્હી સરકારના અધિકારીઓ અનુસાર પ્રસ્તાવિત યોજનાનું લક્ષ્ય રૂ. ત્રણ લાખથી ઓછી વાર્ષિક પારિવારિક આવકવાળી મહિલાઓ છે. જેને પગલે લાભાર્થી મહિલાઓની સંખ્યા આશરે 10 લાખ સુધી હશે.