‘કેન્દ્ર સ્પષ્ટ કરે, તાલિબાન ત્રાસવાદી-સંગઠન છે-કે-નહીં?’

નવી દિલ્હીઃ જમ્મુ અને કશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉમર અબ્દુલ્લાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારને આજે પૂછ્યું છે કે તે તાલિબાન અંગે પોતાનું વલણ સ્પષ્ટ કરે. નેશનલ કોન્ફરન્સ પાર્ટીના નેતા ઉમર અબ્દુલ્લાએ કહ્યું કે, તાલિબાનને તમે ત્રાસવાદી સંગઠન તરીકે ગણો છો કે નહીં તે મહેરબાની કરીને અમને સ્પષ્ટ કરો. જો તેઓ ત્રાસવાદી સંગઠન છે તો તમે એની સાથે શા માટે ચર્ચા કરો છો? અને જો નથી તો તમે સંયુક્ત રાષ્ટ્ર (UN) સંસ્થામાં જાવ અને એને ત્રાસવાદી સંગઠનોની યાદીમાંથી દૂર કરાવો. તમારું વલણ સ્પષ્ટ કરો.

ઉમર અબ્દુલ્લાનો આ સવાલ ભારતીય વિદેશ મંત્રાલયે તાલિબાન સાથે કરેલા પહેલા સંપર્ક બાદ આવ્યો છે. કતર ખાતેના ભારતીય રાજદૂત દીપક મિત્તલ દોહા શહેરમાં તાલિબાનના રાજકીય કાર્યાલયના વડા શેર મોહમ્મદ અબ્બાસ સ્તાનિકઝાઈને મળ્યા હતા. તે બેઠક બાદ વિદેશ મંત્રાલયે એક અખબારી યાદીમાં આની જાણ કરી હતી. તે બેઠક તાલિબાનની વિનંતીને પગલે દોહામાં ભારતીય દૂતાવાસમાં યોજાઈ હતી. વિદેશ મંત્રાલયે કહ્યું કે તે બેઠક અફઘાનિસ્તાનમાં અટવાઈ ગયેલાં ભારતીય નાગરિકોના સુરક્ષિત અને વહેલી તકે ભારતગમન અંગે કેન્દ્રિત હતી. રાજદૂત મિત્તલે સ્તાનિકઝાઈને કહ્યું હતું કે અફઘાનિસ્તાનની ધરતીનો ઉપયોગ ભારત-વિરોધી પ્રવૃત્તિઓ અને કોઈ પણ પ્રકારના ત્રાસવાદ માટે થવો ન જોઈએ. આ બાબતો પર સકારાત્મક રીતે ધ્યાન આપવામાં આવશે એવી તાલિબાન પ્રતિનિધિએ ભારતીય રાજદૂતને ખાતરી આપી હતી.

કતર ખાતેના ભારતીય રાજદૂત દીપક મિત્તલ દોહા શહેરમાં તાલિબાનના રાજકીય કાર્યાલયના વડા શેર મોહમ્મદ અબ્બાસ સ્તાનિકઝાઈને મળ્યા હતા.