નવી દિલ્હીઃ ભારતીય રેલવે (IRCTC) ‘શ્રી રામાયણ યાત્રા’નું 18 દિવસનું ટુર પેકેજ 21 જૂનથી શરૂ કરી રહી છે. આ ટુર પેકેજમાં રેલવે શ્રીરામથી જોડાયેલાં ધાર્મિક સ્થળોનાં દર્શન કરાવશે. રેલવે પહેલી ભારત ગૌરવ ટુરિસ્ટ ટ્રેન ‘શ્રી રામાયણ યાત્રા’ લઈને આવી છે, આ ટુર પેકેજ IRCTCનું છે, એમ IRCTCના લખનઉના મેનેજર ચીફ રિજિયોનલ મેનેજર અજિતકુમાર સિંહાએ જણાવ્યું હતું. આ ટ્રેન દિલ્હીના સફદરજંગ રેલવે સ્ટેશને 21 જૂને ઊપડશે.
આ સંપૂર્ણ યાત્રા 8000 કિલોમીટરની છે અને 18 દિવસ સુધી ચાલશે. એમાં યાત્રીઓ થર્ડ એસીમાં પ્રવાસ કરી શકશે. આ ટ્રેનમાં 11 થર્ડ એસીના કોચ હશે. આમાં 600 યાત્રીઓની ક્ષમતા રાખવામાં આવી છે. આ ટ્રેનનું બુકિંગ IRCTCની સત્તાવાર વેબસાઇટ પર કરી શકો છે. આ પેકેજનો ખર્ચ પ્રતિ વ્યક્તિ રૂ. 62,370 રાખવામાં આવ્યો છે. વળી, આ પ્રવાસ ગમે એ સ્ટેશનથી શરૂ કરવામાં આવશે.
આ ‘શ્રી રામાયણ યાત્રા’ વિશે જણાવ્યું હતું કે આ ટુર પેકેજમાં આઠ રાજ્યો અને નેપાળમાં ફરવાની તક મળશે. આ આઠ રાજ્યોમાં યુપી, બિહાર, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, તામિલનાડુ અને આંધ્ર પ્રદેશ સામેલ છે.
આ ટુરમાં અયોધ્યા, જનકપુર (નેપાળ) સીતામાહી, બક્સર, વારાણસી, પ્રયાગરાજ, શ્રીંગારવરપુર, ચિત્રકૂટ, નાશિક, હમ્પી, રામેશ્વરમ, કાંચીપુરમ અને ભદ્રાચલમને આવરી લેવામાં આવશે. IRCTCએ કહ્યું હતું કે આ યાત્રામાં પાંચ ટકા ડિસ્કાઉન્ટ પહેલા 50 ટકા યાત્રીઓને આપવામાં આવશે. યાત્રીઓને EMI દ્વારા ટિકિટ બુક કરવાનો વિકલ્પ મળશે.