નવી દિલ્હી- IRCTC ટેન્ડર કૌભાંડ મામલે આરોપી લાલુપ્રસાદ યાદવ, તેના પુત્ર તેજસ્વી યાદવ અને બિહારના પૂર્વ મુખ્યપ્રધાન તેમજ લાલુપ્રસાદના પત્ની રાબડી દેવી દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં હાજર થયા હતા. પટિયાલા હાઉસ કોર્ટમાં CBIએ ત્રણેય આરોપીઓની જામીનનો વિરોધ કર્યો હતો. પરંતુ કોર્ટે CBIની વિરોધ અરજી રદ કરી હતી અને લાલુપ્રસાદ યાદવ સિવાય બન્ને આરોપીઓને નિયમિત જામીન આપ્યા છે.કેસની સુનાવણી માટે આગળની તારીખ 19 નવેમ્બર નક્કી કરવામાં આવી છે. જ્યારે સુનાવણી વીડિયો કોન્ફરન્સિંગથી કરવામાં આવશે. જેથી લાલુપ્રસાદ યાદવ પણ હાજરી આપી શકે.
આજે કોર્ટમાં તેજસ્વી યાદવ અને રાબડી દેવી ઉપરાંત પ્રેમચંદ ગુપ્તા અને સરલા ગુપ્તા પણ હાજર રહ્યાં હતા. CBIએ આરોપીઓની નિયમિત જામીનનો વિરોધ કર્યો હતો અને કહ્યું કે, જો નિયમિત જામીન આપવામાં આવશે તો તેનાથી તપાસ પ્રક્રિયાને અસર થશે. જામીન આપ્યા બાદ તેજસ્વી યાદવનો પાસપોર્ટ કોર્ટે જમા કરાવ્યો હતો.
ગત 31 ઓગસ્ટના રોજ થયેલી સુનાવણીમાં લાલુપ્રસાદ, તેજસ્વી યાદવ અને રાબડી દેવીને જામીન આપવામાં આવ્યા હતા. EDનો આરોપ છે કે, લાલુપ્રસાદ યાદવ જ્યારે રેલવે પ્રધાન હતા ત્યારે પુરી અને રાંચીમાં રેલવેની બે હોટલોની લીઝ સુજાતા હોટલ પ્રાઇવેટ લિમિટેડને આપવામાં આવી હતી. જેમાં IRCTCના અધિકારીઓએ રેલવે પ્રધાનના કહ્યા મુજબ પોતાના પદનો દુરઉપયોગ કર્યો હતો.