મમતા સરકારને કોર્ટનો ઝાટકો, દુર્ગા પંડાલની આર્થિક સહાય હાલમાં અટકાવી

કોલકાતા- પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજી સરકારને ઝાટકો આપતા કોલકાતા હાઈકોર્ટે દુર્ગા પંડાલ માટે આપવામાં આવનારી આર્થિક સહાયતા પર મંગળવાર સુધી રોક લગાવી છે.

કોલકાતા હાઈકોર્ટે મમતા સરકારને પુછ્યું છે કે, દુર્ગા પંડાલ માટે જે 10 હજાર રુપિયાની આર્થિક સહાયતાની જાહેરાત કરી છે તે ક્યા ફંડમાંથી આપવામાં આવશે? આ સંબંધમાં કોર્ટે પશ્ચિમ બંગાળ સરકારને સોગંદનામું રજૂ કરવા આદેશ આપ્યો છે. આ મામલે વધુ સુનાવણી આગામી મંગળવારે કરવામાં આવશે.

મળતી માહિતી મુજબ રાજ્યની મમતા બેનરજી સરકારે રાજ્યમાં 28 હજાર દુર્ગા પૂજા સમિતિઓને 10-10 હજાર રુપિયાની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી હતી. રાજ્ય સરકારના આ નિર્ણયથી મમતા બેનરજી સરકાર પર રુપિયા 28 કરોડનો બોજ પડશે. આ મામલે હવે જનહિત યાચિકા દાખલ કરવામાં આવી છે અને દુર્ગા પંડાલને આપવામાં આવનારી આર્થિક સહાય પર રોક લગાવવા માગ કરવામાં આવી છે.

કોલકાતા હાઈકોર્ટે રાજ્ય સરકાર પાસે આ મામલે સ્પષ્ટતા માગી છે. અને ક્યા ફંડમાંથી દુર્ગા પંડાલોને આર્થિક મદદ કરવામાં આવશે તે કહેવા જણાવ્યું છે. અને આ મુદ્દે રાજ્ય સરકારને કોર્ટમાં સોગંદનામું દાખલ કરવા પણ નિર્દેશ કર્યો છે. કેસની વધુ સુનાવણી મંગળવારે નિર્ધારિત કરવામાં આવી છે.