રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં ચૂંટણીની જાહેરાત, 11 ડિસેમ્બરે પરિણામ

નવી દિલ્હી- ચૂંટણી પંચે પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરી દીધી છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, મિઝોરમ અને તેલંગાણામાં નવેમ્બર અને ડિસેમ્બર વચ્ચે મતદાન યોજાશે, ત્યારબાદ તમામ રાજ્યોના પરિણામો 11 ડિસેમ્બરના રોજ જાહેર કરવામાં આવશે. આજે ચૂંટણી પંચની ઘોષણા સાથે જ આ પાંચ રાજ્યોમાં ચૂંટણી આચાર સંહિતા લાગૂ કરવામાં આવી છે.છત્તીસગઢમાં પ્રથમ તબક્કાનું મતદાન 12 નવેમ્બરે કરાશે. જેના માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 23 ઓક્ટોબર છે. 24 ઓક્ટોબર ફોર્મની ચકાસણી કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં 18 વિધાનસભા બેઠક માટે મતદાન થશે. જ્યારે બીજા તબક્કાનું મતદાન 20 નવેમ્બરે યોજાશે.

મધ્યપ્રદેશમાં એક જ તબક્કામાં મતદાન થશે. ત્યાં 230 વિધાનસભા બેઠકો છે. ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 9 નવેમ્બર છે. જ્યારે 14 નવેમ્બર સુધીમાં નામ પાછા ખેંચી શકાશે. અહીંની બધી બેઠકો પર 28 નવેમ્બરે મતદાન કરવામાં આવશે. મિઝોરમમાં પણ મધ્યપ્રદેશની સાથે જ મતદાન કરવામાં આવશે.

રાજસ્થાનમાં 7 ડિસેમ્બરે મતદાન થશે. અહીં પણ એક જ તબક્કામાં મતદાન રાખવામાં આવ્યું છે. તેલંગાણામાં પણ વિધાનસભા ભંગ થઈ હોવાથી અહીં પણ 7 ડિસેમ્બરે જ ચૂંટણી યોજવામાં આવશે.

ચૂંટણી પંચ દ્વારા આયોજીત પ્રેસ કોન્ફરન્સમાં મુખ્ય ચૂંટણી કમિશનર ઓપી રાવતે જણાવ્યું કે, ચૂંટણી પ્રક્રિયા 15 ડિસેમ્બર પહેલાં પૂરી કરી લેવાની છે. જેથી 11 ડિસેમ્બરે પાંચેય રાજ્યોમાં મતગણતરી કરીને પરિણામ જાહેર કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે, ચૂંટણીમાં ઈવીએમ અને વીવીપેટનો ઉપયોગ કરવામાં આવશે. અને મતદાનની વીડિયોગ્રાફી પણ કરવામાં આવશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]