નવી દિલ્હી- જમ્મુ-કશ્મીરમાંથી આર્ટિકલ 370 દૂર કરાયા બાદ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન તરફથી સતત ઉશ્કેરણીજનક નિવેદન આવી રહ્યાં છે. જેના પર ભારતીય સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે ઈશારામાં ચેતવણી આપી છે. રાજનાથે કહ્યું કે, ‘નો ફર્સ્ટ યૂઝ’ ભારતની પરમાણુ નીતિ છે, પરંતુ ભવિષ્યમાં શું થશે તે પરિસ્થિતિઓ પર નિર્ભર કરે છે.
પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની પ્રથમ પુણ્યતિથિ છે. વાજપેયીજીને શ્રદ્ધાંજલિ આપવા માટે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ શુક્રવારે પોખરણ પહોંચ્યા હતાં. આ અવસરે તેમણે કહ્યું કે, ભારત એક જવાબદાર પરમાણુ રાષ્ટ્રનો દરજ્જો ધરાવે છે અને દરેક નાગરિક માટે આ રાષ્ટ્રીય ગૌરવ છે. આ ગૌરવ આપણે અટલજીને કારણે મળ્યું છે, દેશવાસીઓ હંમેશા આ કાર્ય બદલ તેમના ઋણી રહેશે. રાજનાથ સિંહે અહીં પોખરણ ખાતે અટલજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને પરમાણુ પરીક્ષણ બદલ અટલજીના સાહસિક નિર્ણયને યાદ કર્યો હતો.
રાજનાથ સિંહે મીડિયા સાથે વાત કરતા ભારતની પરમાણુ નીતિ અંગે પણ સ્પષ્ટતા કરી હતી. તેમણે કહ્યું કે, હાલમાં ‘નો ફર્સ્ટ યૂઝ’ અમારી ન્યૂક્લિયર પોલિસી છે, પરંતુ આ પરિસ્થિતિઓ પર નિર્ભર કરે છે આગળ જતા આ નીતિમાં ફેરફાર થશે કે નહીં.
શું છે નો ફર્સ્ટ યૂઝ નીતિ
ન્યૂક્લિયર હથિયારને લઈને ભારતની નીતિ નો ફર્સ્ટ યૂઝની છે. આ નીતિ મુજબ ભારત કોઈ પણ દેશ પર પરમાણુ હુમલો ત્યાં સુધી નહી કરે જ્યાં સુધી સામેવાળો દેશ ભારત પર હુમલો ન કરે. ભારતે 1998માં બીજા પરમાણુ પરીક્ષણ બાદ આ સિદ્ધાંતને અપનાવ્યો હતો. ઓગસ્ટ 1999માં ભારત સરકારે સિદ્ધાંતનો એક ડ્રાફ્ટ જાહેર કર્યો જેમાં કહેવામાં આવ્યું હતું કે, પરમાણુ હથિયાર માત્ર સંયમ માટે છે અને ભારત માત્ર પ્રતિશોધની નીતિ અપનાવશે. દસ્તાવેજમાં એમ પણ કહેવામાં આવ્યું કે, ભારત કદી પણ પહેલા પહેલ નહીં કરે પરંતુ જો કોઈ દેશ ભારત પર આવું કરશે તો પછી પ્રતિશોધની સાથે પ્રતિક્રિયા પણ આપશે.