મુંબઈઃ રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે કહ્યું છે કે ભારતની પ્રથમ હાઈ-સ્પીડ બુલેટ ટ્રેન 2026 સુધીમાં દોડતી થઈ જશે. મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલ કોરિડોર પ્રોજેક્ટ ચાલુ છે. જો મુલતવી રખાશે તો 2027 સુધી લંબાઈ શકે છે, પણ એનાથી આગળ નહીં. વૈષ્ણવે એક મિડિયા પ્લેટફોર્મ પરની વાતચીતમાં આમ જણાવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું કે, ભારતમાં બુલેટ ટ્રેન સેવા શરૂ કરવા માટે નેશનલ હાઈ-સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડે જાપાન રેલવે ટ્રેક કન્સલ્ટન્ટ કંપની સાથે સહયોગ કર્યો છે. પરંતુ, જાપાનીઝ કંપની જમીન અધિગ્રહણ કામગીરી સરળતાપૂર્વક પૂરી થવાની રાહ જોઈ રહી છે. આ યોજના માટે જમીન પ્રાપ્તિની આવશ્યક્તા છે અને કામગીરી મહારાષ્ટ્રમાં અટકી ગઈ છે. ગુજરાતે તો કુલ આવશ્યકની 97 ટકા જમીન મેળવી લીધી છે. મુંબઈ તરફ હજી કેટલીક જમીન મંજૂર થવાની બાકી છે.
બુલેટ ટ્રેન મુંબઈ અને અમદાવાદ વચ્ચે 508 કિ.મી.ના અંતરમાં દોડશે. તેની પર બુલેટ ટ્રેન કલાકના 320 કિ.મી.ની ઝડપે દોડશે. સમગ્ર લાઈન પર 12 સ્ટેશન હશે – મુંબઈ, થાણે, વિરાર, બોઈસર, વાપી, બિલિમોરા, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, અમદાવાદ અને સાબરમતી. બુલેટ ટ્રેન મુંબઈથી 2 કલાક 58 મિનિટમાં અમદાવાદ પહોંચશે. ભારતીય રેલવે બુલેટ ટ્રેનની દરરોજ 70 ખેપ ચલાવશે.
