ભારતવંશીઓએ 2022માં વિદેશથી 100 અબજ ડોલર મોકલ્યા

ઇન્દોરઃ વર્ષ 2022માં ભારતવંશીઓએ દેશમાં મોકલવામાં આવેલી રકમ ગયા વર્ષની તુલનાએ 10 ટકા વધીને આશરે 100 અબજ અમેરિકી ડોલરે પહોંચી છે, એમ નાણાપ્રધાન નિર્મલા સીતારામને પ્રવાસી ભારતીય સંમેલનમાં જણાવ્યું હતું. તેમણે દેશના વિકાસમાં પ્રવાસી ભારતીયોના યોગદાનના આંકડા રજૂ કર્યા હતા.

નાણાપ્રધાન સીતારામને ઇન્દોરમાં પ્રવાસી ભારતીય દિવસ સંમેલનના એક સેશનમાં કહ્યું હતું કે કોવિડ-19 રોગચાળો પ્રારંભ થયા પછી વર્ષ 2022માં ભારતવંશીઓએ વિદેશથી દેશમાં 100 અબજ અમેરિકી ડોલર મોકલ્યા હતા, જે 2021ની સરખામણીએ 12 ટકા વધુ છે. તેમણે કહ્યું હતું કે લોકોએ વિચાર્યું હતું કે રોગચાળાના પ્રકોપને પગલે ભારત પરથ ફરેલા વ્યાવસાયિકો કદાચ વિદેશ નહીં જી શકે, પણ તેઓ ત્યાં પહેલાં કરતાં વધુ રોજગાર માટે ગયા અને પહેલાની તુલનાએ વધુ રકમ દેશમાં મોકલી હતી. તેમણે પ્રવાસી ભારતીયોને ભારતના વાસ્તવિક રાજદૂત ગણાવ્યા હતા અને તેમણે અપીલ કરી હતી કે જ્યાં સુધી બને તેઓ ભારતમાં બનેલાં ઉત્પાદનો અને સેવાઓનો ઉપયોગ કરો, જેથી દેશની અલગ-અલગ બ્રાન્ડનો વિશ્વમાં પ્રચાર થઈ શકે.

તેમણે કહ્યું હતું કે ભારતવંશીઓ દ્વારા દેશના નાના-મોટા વેપારીઓની સાથે ભાગીદારી કરવી જોઈએ છે, જેથી આઝાદીના અમૃત કાળમાં આગામી 25 વર્ષમાં પ્રવાસી ભારતીયોના કૌશલને બહાર લાવી શકાય. તેમણે ચીન પ્લસ વનની નીતિ પછી વિશ્વ હવે યુરોપીય સંઘ પ્લસ વનની નીતિની વાત કરી રહી છે. તેમણે કહ્યું હતું કે આઝાદીના અમૃત કાળમાં ભારત ચાર I પર ધ્યાન કેન્દ્રિત કરશે, જેમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર (પાયાનું માળખું), ઇન્વેસ્ટમેન્ટ (મૂડીરોકાણ), ઇન્નોવેશન ( સંશોધન- સ્ટાર્ટઅપ) અને ઇન્ક્લુઝન (સમાવેશીકરણ) સામેલ છે.