નવી દિલ્હીઃ કોરોના-લોકડાઉન ખોલવાની દિશામાં રેલવે મંત્રાલયે એક મહત્વનું પગલુ ભર્યું છે. 1 જૂનથી તે 200 નોન-એરકન્ડીશન્ડ સ્પેશિયલ ટ્રેનો શરૂ કરવાનું છે. રેલવે મંત્રી પીયૂષ ગોયલે આની જાહેરાત કરી છે. ભારતનું આ સૌથી મોટું ટ્રાન્સપોર્ટર દેશમાં અલગ-અલગ જગ્યાએ ફસાયેલા લોકો માટે શ્રમિક સ્પેશિયલ ટ્રેનો તો કેટલાક દિવસોથી દોડાવી જ રહ્યું છે. 15 જોડી સ્પેશિયલ એસી ટ્રેન્સ પણ દિલ્હીને દેશના અલગ-અલગ ભાગો સાથે જોડી રહી છે. આ 30 ટ્રેનોમાં સામાન્ય નાગરિકો પ્રવાસ કરી શકે છે. રેલવે ધીમે-ધીમે ટ્રેનોની સંખ્યા વધારી રહી છે. ગોયલે કહ્યું કે, આ 200 નોન-એસી ટ્રેનોની ટિકિટનું બુકિંગ ટૂંક સમયમાં શરુ થશે. બુકિંગ ઓનલાઈન જ થશે, રેલવે કાઉન્ટર પરથી આનું રિઝર્વેશન થઈ શકશે નહી. પ્રાપ્ત વિગતો અનુસાર, આવતા સપ્તાહથી બુકિંગ સ્ટાર્ટ થઈ શકે છે. બુકિંગ માટે ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરીઝમ કોર્પોરેશનની વેબસાઈટ અથવા મોબાઈલ એપનો ઉપયોગ કરવાનો રહેશે. પેસેન્જર્સને જમવાનું મળશે કે નહીં, તે વાતની સ્પષ્ટતા હજી થઈ શકી નથી. પ્રાપ્ત વિગતો અનુસાર IRCTC એ કેટરિંગ માટે કોન્ટ્રાક્ટ લીધા છે.
આ 200 સ્પેશિયલ ટ્રેનોમાં નોન-એસી કોચ હશે. રેલવે અનુસાર, આ ટ્રેનો રોજિંદા ધોરણે ચાલશે. ક્યાંથી ક્યાં ટ્રેનો ચલાવવામાં આવશે તેની જાહેરાત હજી કરવામાં આવી નથી. માનવામાં આવી રહ્યું છે કે, 15 જોડી સ્પેશિયલ ટ્રેનો એટલે કે કુલ 30 ટ્રેનો દિલ્હીથી મોટા શહેરોને જોડ્યા બાદ, હવે નાના શહેરોની કનેક્ટિવીટી સુધારવા પર જોર હોઈ શકે છે.
આ ટ્રેનોમાં વેઈટિંગ લિસ્ટવાળી ટિકિટ મળશે. જો કે, રેલવેએ અત્યાર સુધી આ વિશે કંઈ સ્પષ્ટ નથી કર્યું. સામાન્ય રીતે રેલવે ટ્રેનોના સ્લીપર ક્લાસમાં 200 સુધી વેઈટ લિસ્ટવાળી ટિકિટો જાહેર કરી શકે છે. પહેલા જે ટ્રેનો શરુ કરવામાં આવી હતી તેમાં શરુમાં વેઈટિંગ ટિકિટ્સની જોગવાઈ નહોતી. પરંતુ હવે તેમાં વેઈટ લિસ્ટ ટિકિટ જાહેર થવા લાગી છે. રેલવેના નિયમ અનુસાર, ફર્સ્ટ એસીમાં 20, એક્ઝિક્યૂટિવ ક્લાસમાં 20, એસી ટૂ-ટાયરમાં 50, એસી થ્રી-ટાયરમાં 100 અને એસી ચેરકારમાં 100 સુધીની વેઈટિંગ ટિકિટ જાહેર થઈ શકે છે.