લંડનમાં તિરંગાનું અપમાન; દિલ્હીમાં બ્રિટિશ રાજદૂતને બોલાવી ભારતે વિરોધ નોંધાવ્યો

નવી દિલ્હીઃ બ્રિટનના પાટનગર લંડનમાં ગઈ કાલે મોડી સાંજે ખાલિસ્તાનવાદી તત્ત્વોના એક જૂથે ભારતીય હાઈ કમિશનની ટોચ પર ફરકી રહેલા ભારતીય રાષ્ટ્રધ્વજને નીચે ઉતારી દીધો હતો અને અલગતાવાદી ખાલિસ્તાની ધ્વજ ફરકાવ્યો હતો તેમજ ખાલિસ્તાન-તરફી નારા લગાવ્યા હતા. બ્રિટિશ મેટ્રોપોલિટન પોલીસના મુખ્યાલય સ્કોટલેન્ડ યાર્ડે કહ્યું કે તે ઘટનાથી એ વાકેફ છે, પરંતુ એ વિશે તેણે હજી સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડ્યું નથી.

ભારતે તે બનાવ અંગે બ્રિટિશ સરકાર સમક્ષ જોરદાર વિરોધ નોંધાવ્યો છે અને લંડનસ્થિત ભારતીય દૂતાવાસની સુરક્ષા અંગે સવાલ ઉઠાવ્યો છે. નવી દિલ્હીમાં, વિદેશ મંત્રાલયે એક નિવેદન બહાર પાડ્યું હતું જેમાં તેણે કહ્યું છે કે બ્રિટનમાં ભારતીય દૂતાવાસની ઈમારત તથા ત્યાં કામ કરતા લોકોની સલામતી પ્રતિ બ્રિટિશ સરકારનું ઉદાસીન વલણ ભારતને અસ્વીકાર્ય છે. ભારતસ્થિત બ્રિટિશ ડેપ્યૂટી હાઈ કમિશનર ક્રિસ્ટિના સ્કોટને પણ વિદેશ મંત્રાલયના કાર્યાલયમાં બોલાવવામાં આવ્યાં હતાં અને ભારત સરકારનો વિરોધ એમની સમક્ષ નોંધાવ્યો હતો. હાઈ કમિશનર એલેક્સ એલિસ દિલ્હી બહાર ગયાં હોવાથી ડેપ્યૂટી હાઈ કમિશનરને બોલાવવામાં આવ્યાં હતાં.