નવી દિલ્હીઃ ભારતના લોકતંત્રમાં 25 જૂનને એક કાળા દિવસ તરીકે યાદ કરવામાં આવે છે. આજના જ દિવસે 1975માં વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ ઈમરજન્સી એટલે કે કટોકટીની જાહેરાત કરી હતી. આજે દેશમાં લાગુ કરવામાં આવેલી કટોકટીના 44 વર્ષ પૂરા થયા છે. કટોકટીના 44 વર્ષ પૂરા થવા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કટોકટીના સમયને દેખાડનારા વીડિયોને શેર કરતા કહ્યું કે તાનાશાહી માનસિકતા વિરુદ્ધ અવાજ ઉઠાવનારા તમામ નાયકોને ભારત આજે પણ યાદ કરે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક વીડિયો શેર કરી ઇમરજન્સીના સમયગાળાને યાદ કર્યો. તેમાં સંસદમાં આપવામાં આવેલા પીએમના ભાષણનો હિસ્સો પણ દેખાડાયો છે.
કેન્દ્રીય ગૃહપ્રધાન અને ભાજપ અધ્યક્ષ અમિત શાહે પણ ટ્વીટ કર્યું. તેમણે લખ્યું કે 1975મા આજના જ દિવસે માત્ર પોતાના રાજકીય હિતો માટે દેશના લોકતંત્રની હત્યા કરાઇ. દેશવાસીઓ પાસેથી તેમના મૂળભૂત અધિકાર છીનવી લેવામાં આવ્યા, અખબારો પર તાળા લગાવી દીધા. લાખો રાષ્ટ્રભકતો એ લોકતંત્રને પુનઃસ્થાપિત કરવા માટે અનેક વેદનાઓ સહન કરી, હું એ તમામ સેનાનીઓને નમન કરું છું.
તો બીજીબાજુ રાજનાથ સિંહે ટ્વીટ કરીને કહ્યું કે 25મી જૂનના રોજ ઇમરજન્સીની જાહેરાત કરી અને ત્યારબાદની ઘટનાઓ ભારતના ઇતિહાસના સૌથી ઊંડા અધ્યાયોમાંથી એક તરીકે ચિહ્નિત છે. એ દિવસ, આપણે ભારતના લોકોએ હંમેશા પોતાની સંસ્થાઓ અને સંવિધાનની અખંડતાને બનાવી રાખવાના મહત્વને યાદ રાખવું જોઇએ.
રક્ષાપ્રધાન સિવાય મોદી સરકારના કેટલાંય બીજા પ્રધાનોએ પણ તેને લઇ ટ્વીટ કરી. કેન્દ્રીય ખેલ પ્રધાન કિરણ રિજિજુ એ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર લખ્યું, આજે અડધી રાત્રે હું મારો સમય સ્વતંત્રતા માટે સમર્પિત કરીશ કારણ કે 25મી જૂન 1975 અડધી રાતે ભારતમાં ઇમરજન્સી લાગી હતી તથા લોકતંત્રની હત્યા એ ક્ષણે થઇ હતી. રિજિજૂ એ આ ટ્વીટમાં એ સમયના અખબારની તસવીર પણ શેર કરી.