ગ્લોબલ નકશામાં જમ્મુ-કશ્મીર અલગ દર્શાવતાં ભારતે વાંધો ઉઠાવ્યો

નવી દિલ્હીઃ સાઉદી અરેબિયા દ્વારા હાલમાં જારી કરવામાં આવેલા ગ્લોબલ નકશામાં જમ્મુ-કશ્મીર અને લદ્દાખને ભારતથી અલગ દર્શાવવામાં આવ્યા હતા. આ મામલે હવે ભારત દ્વારા સત્તાવાર રીતે વાંધો ઉઠાવવામાં આવ્યો છે અને એને યોગ્ય કરવા માટે કહેવામાં આવ્યું છે. સાઉદી અરબિયાએ હાલમાં 20 રિયાલની એક નવી નોટ જારી કરી છે, જેમાં જમ્મુ-કશ્મીર અને લદ્દાખને અલગ ક્ષેત્ર તરીકે દર્શાવવામાં આવ્યા છે.

સાઉદી અરેબિયાની આગેવાનીમાં હાલમાં જ G-20ની બેઠક થવાની છે. આ અવસરે સાઉદી અરેબિયાએ એક નોટ જારી કરી છે, જેમાં કિંગ સલમાનનો ફોટો, G-20 સાઉદી સમિટનો લોગો અને G-20 દેશોનો નકશો દર્શાવવામાં આવ્યો છે.

આ નકશામાં જમ્મુ અને કશ્મીર, જેમાં પાકિસ્તાન અધિકૃત કશ્મીર સામેલ છે. એને અલગ હિસ્સો દર્શાવવામાં આવ્યો છે. એટલે કે એને ના તો પાકિસ્તાન અને ના તો પાકિસ્તાનનો હિસ્સો દર્શાવવામાં આવ્યો છે.  

સાઉદી અરેબિયાના આ નિર્ણયથી પાકિસ્તાન અધિકૃત ચળવળકાર અમજદ અયુબ મિરઝાએ ખુશી દર્શાવી છે. તેમણે PoK અને ગિલગિટ-બાલ્ટિસ્તાનને પાકિસ્તાનથી અલગ કરવા માટે સાઉદી અરેબિયાની પ્રશંસા કરી છે.

ભારતે જ્યારે હવે આ નકશો જોયો તો એમાં એને ગરબડ લાગી. આ વિશે નવી દિલ્હી સ્થિત સાઉદી અરેબિયા એમ્બેસી અને રિયાધમાં મોજૂદ ભારતીય એમ્બેસીએ આ મામલો ઉઠાવ્યો હતો. જોકે સાઉદી તરફથી આ મુદ્દે જવાબ આવવાનો બાકી છે. છેલ્લા કેટલાક સમયથી ભારત અને સાઉદી અરેબિયાની મિત્રતા મજબૂત થઈ છે. આવામાં સાઉદી અરેબિયા ભારત સાથે સંબંધો બગાડવા નહીં ઇચ્છે.

ભારત G-20 દેશોને હિસ્સો છે, પરંતુ પાકિસ્તાન નથી. આ સમિટ 21-22 નવેમ્બરે થવાની છે. આવામાં સાઉદી અરેબિયાની સામે નોટ પર છાપેલા નકશાને બદલવાનું દબાણ રહેશે.