નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિડિયો કોન્ફરન્સના માધ્યમથી દાવોસની વર્લ્ડ ઇકોનોમિક ફોરમને સંબોધિત કરી હતી. વિશ્વ ભારતની સફળતા અને સામર્થ્ય જોઈ રહ્યું છે. તેમણે કોરોના કાળનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે દરેક ભારતીયએ તેની ફરજનું પાલન કર્યું છે. ભારત એ દેશોમાં સામેલ છે, જે કોરોના સંક્રમણથી વધુ ને વધુ લોકોની જિંદગી બચાવવામાં સફળ રહ્યો છે. ભારતમાં કોરોનાના કેસોની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. ભારતમાં સૌથી મોટી રસીકરણની ડ્રાઇવ શરૂ કરી છે, એમ તેમણે કહ્યું હતું.
તેમણે સંબોધનનો પ્રારંભ સંસ્કૃત શ્લોકથી કર્યો હતો. તેમણે કહ્યું હતું કે ભારતે તેની વૈશ્વિક જવાબદારી પ્રારંભથી નિભાવી છે. એક લાખથી વધુ નાગરિકોને તેમના દેશ પહોંચડવાની સાથે ભારતે 150થી વધુ દેશોને આવશ્યક દવાઓ મોકલી છે. ભારત કોરોનાની રસી વિશ્વના અનેક દેશોમાં મોકલી રહ્યું છે. ભારતે 76 કરોડથી વધુ લોકોનાં બેન્ક ખાતાંઓમાં 1.8 અબજ રૂપિયા સીધા ટ્રાન્સફર કર્યા છે. ભારત એક મોટું કન્ઝ્યુમર છે અને વિશ્વને એનો લાભ થશે.
12 દિવસોમાં 23 લાખથી વધુ લોકોનું રસીકરણ થયું છે. દેશમાં 130 કરોડથી વધુ લોકો પાસે આધાર છે. ભારતે ડિજિટલ પ્લેટફોર્મ પર બહુ કામ કર્યું છે. ભારતમાં ગ્લોબલ સપ્લાય ચેઇનને મજબૂત કરવાની ક્ષમતા છે. અમે આત્મનિર્ભર ભારત પર ફોકસ કર્યું છે. ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ વધુ સારો બનાવવા પ્રયાસ કરી રહ્યા છે.