નવી દિલ્હી: ભારત અને ચીન વચ્ચે સરહદ પર તણાવભરી સ્થિતિ છે. છેલ્લા એક સપ્તાહમાં ચીની સૈનિકો દ્વારા ભારતીય સૈનિકો પર હુમલો કરવાના અહેવાલ આવી રહ્યા છે. જેનું ભારતીય સેનાએ ખંડન કર્યું છે. સેના તરફથી કહેવામાં આવ્યું છે કે, ચીન તરફથી ભારતીય જવાનોની અટકાયત કરવામાં આવી નથી.
ભારત-ચીન વચ્ચે હાલ ચાલી રહેલો વિવાદ લડાખના બે વિસ્તારો ગલવાન ઘાટી અને બીજું ફિંગર 4માં છે. અહીં 9-10 મે થી સ્થિતિ તણાવભરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર 1000થી 1200 જવાનો બંને તરફ તૈનાત છે. તણાવને લઈને બંને દેશોના બ્રિગેડ કમાન્ડર એકબીજાના સંપર્કમાં છે. તો રાજકીય સ્તર પર પણ મામલાનો ઉકેલ લાવવાનો પ્રયત્ન ચાલી રહ્યો છે. બંને દેશોને માન્ય હોય તેવું સમાધાન શોધવામાં આવી રહ્યું છે. મહત્વનું છે કે, 2013થી સરહદ પર આ પ્રકારના વિવાદો ચાલી રહ્યો છે.
સૂત્રો મુજબ સેટેલાઇટ ઇમેજ અને ગુપ્ત વિભાગની જાણકારીથી સામે આવ્યું છે કે, ચીને ગલવા નદીની પાસે ભારતીય પેટ્રોલિંગ વિસ્તાર નજીક સૈનિકોને લાવવા લઈ જવા તેમજ સામાનની સપ્લાઇ માટે ઘણા રસ્તાનું નિર્માણ કર્યું છે.
મહત્વનું છે કે, લગભગ 6 વખત આ પ્રકારના મોટા વિવાદો થયા છે. જેમાં દેપસાંગ, ચુમાર, પેગોંગ, ડોકલામ અને નાકુલાનો સમાવેશ થાય છે. દર વખતે વિવાદ સ્થાનિક મુદ્દાઓને લઈને થાય છે પણ તેની પાછળનું સાચુ કારણ એ છે કે, ચીન ઈચ્છે છે કે, અહીં કોઈ ગતિવિધિ ન થાય જેમ કે ભારત રસ્તાઓ ન બનાવે, માળખાગત ઢાંચાને મજબૂત ન બનાવે.