પંજાબના CM અમરિન્દર સિંહ સહિત પ્રધાનમંડળનાં રાજીનામાં

ચંડીગઢઃ પંજાબના કેપ્ટન અમરિન્દર સિંહે કોંગ્રેસના વિધાનસભ્યોની બેઠક પહેલાં મુખ્ય પ્રધાનપદેથી રાજીનામું આપ્યું છે. તેમની સાથે તેમના પ્રધાનમંડળે પણ રાજીનામાં આપ્યાં છે. કોંગ્રેસ દ્વારા સાંજે પંજાબના વિધાનસભ્યોની એક બેઠક બોલાવવામાં આવી છે, પણ એ પહેલાં તેમણે રાજ્યપાલને રાજીનામું આપ્યું હતું. આ બેઠકમાં બધા વિધાનસભ્યોને સામેલ થવા માટે કહેવામાં આવ્યું હતું. તેમના વિરોધી સતત નેતૃત્વ પરિવર્તનની માગ કરી રહ્યા હતા. મુખ્ય પ્રધાન અમરિન્દર સિંહે પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીને કહ્યું હતું કે આ પ્રકારનું અપમાન સહન કરીને પાર્ટીમાં રહેવું મુશ્કેલ છે, એમ સૂત્રોએ કહ્યું હતું.

કેપ્ટન અમરિન્દર સિંહે રાજીનામું આપ્યા પછી પત્રકાર પરિષદમાં નારાજગી વ્યક્ત કરતાં કહ્યું હતું કે મારું રાજીનામું આપવાનો નિર્ણય સવારે થઈ ગયો હતો. બે મહિનામાં ત્રણ વાર દિલ્હીમાં બોલાવવામાં આવ્યો હતો અને ત્રીજી વાર મીટિંગ થઈ હતી, જેથી મને મારું અપમાન લાગ્યું હતું. હું સાડા નવ વર્ષથી મુખ્ય પ્રધાનપદે હતો. મારી પર સરકાર ચલાવી શકવાનો સંદેહ વ્યક્ત કરવામાં આવ્યો હતો. મારા ભવિષ્ય માટે હું પછી નિર્ણય લઈશ.

પંજાબ સરકારમાં નેતૃત્વ પરિવર્તનની અટકળોની વચ્ચે કોંગ્રેસ વિધાનસભ્યોના દળની બેઠક પહેલાં પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુના સલાહકાર મોહમ્મદ મુસ્તફાને ટ્વીટ કરીને પક્ષમાં ચાલી રહેલા ઘમસાણની સ્થિતિ સ્પષ્ટ કરતાં કહ્યું હતું કે કોંગ્રેસ માટે સારા નેતા પસંદ કરવાની તક છે. કોંગ્રેસપ્રમુખને 48 નારાજ વિધાનસભ્યોના પત્ર પછી સાંજે ચંડીગઢમાં કોંગ્રેસ વિધાનસભ્યોના દળની બેઠક બોલાવી છે.

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]