ચેન્નઈઃ આઇએલએન્ડએફએસના ૧ લાખ કરોડ રૂપિયાના કૌભાંડ સંબંધે પકડાયેલા રવિ પાર્થસારથિને વિશેષ અદાલતે ત્રણ દિવસની પોલીસ કસ્ટડીમાં રાખવાનો હુકમ કર્યો હતો.
તામિલનાડુ પ્રોટેક્શન ઓફ ઇન્ટરેસ્ટ્સ ઓફ ડિપોઝિટર્સ (ઇન ફાઇનાન્શિયલ એસ્ટાબ્લિશમેન્ટ) એક્ટ, ૧૯૯૭ હેઠળની વિશેષ અદાલતમાં ચેન્નઈની ઈકોનોમિક ઓફેન્સીસ વિંગે (ઈઓડબ્લ્યુ) કહ્યું હતું કે પાર્થસારથિને કસ્ટડીમાં રાખીને પૂછપરછ કરવાથી અત્યાર સુધી છૂપી રહેલી અનેક વિગતો બહાર આવી શકશે, કારણ કે તેઓ સમગ્ર કેસમાં પ્રત્યક્ષપણે સંડોવાયેલી વ્યક્તિ અને મુખ્ય ષડ્યંત્રકાર છે.
આ આરોપીએ અન્ય વ્યક્તિઓની સાંઠગાંઠથી વિપુલ પ્રમાણમાં નાણાંની ઊચાપત કરી છે. એમની રિમાન્ડ અત્યારે ઘણી જરૂરી છે. આ કેસ દેશના ઇતિહાસમાં સૌથી મોટાં આર્થિક કૌભાંડોમાંનો એક છે, એમ અદાલતને કહેવામાં આવ્યું હતું.
નોંધનીય છે કે ચેન્નઈ પોલીસની આર્થિક ગુના શાખા (ઈઓડબ્લ્યુ)એ ૬૩ મૂન્સ ટેક્નોલોજીસની ફરિયાદના આધારે રવિ પાર્થસારથિની ધરપકડ નવમી જૂને મુંબઈથી કરી હતી. ૧૪મી જૂને એમને પંદર દિવસની અદાલતી કસ્ટડીમાં મોકલવાનો હુકમ કરાયો હતો. પોલીસ કસ્ટડી ૧૬મીથી ૧૮ જૂન સુધીની હતી. પાર્થસારથિ ભૂતપૂર્વ નાણાપ્રધાન પી. ચિદમ્બરમ સાથે ઘરોબો ધરાવતા હોવાનું કહેવાય છે. તેમણે આગોતરા જામીન માટે કરેલી અરજીને મદ્રાસ હાઇકોર્ટે ફગાવી દીધા બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી.
આ કેસમાં સમગ્ર અર્થતંત્રનાં હિતને અસર થતી હોવાથી કેન્દ્ર સરકારે પોતે આ કેસમાં દરમિયાનગીરી કરવી પડી હતી, એમ કહેતાં રીમાન્ડ નોટમાં ઉમેરવામાં આવ્યું હતું કે આઇએલએન્ડએફએસ ગ્રુપની કંપનીઓની સ્થાપના છેતરપિંડીના ઇરાદે કરવામાં આવી હતી. તેમાં નિર્દોષ રોકાણકારો સાથે દગાબાજી થઈ છે અને મુખ્ય સૂત્રધાર પાર્થસારથિએ કરેલા કૌભાંડને લીધે લોકોની રોજીરોટી છીનવાઈ ગઈ છે.
૬૩ મૂન્સે આ ગ્રુપની એક કંપનીના ૨૦૦ કરોડ રૂપિયાના નોન કન્વર્ટિબલ ડિબેન્ચરમાં રોકાણ કર્યું હતું. સીરિયસ ફ્રોડ ઇન્વેસ્ટિગેશન ઓફિસે પાર્થસારથિને આ કેસના મુખ્ય આરોપી ગણાવ્યા છે.